ઈરાન અમેરિકા સાથે પરમાણુ ચર્ચા કરવા તૈયાર! પરમાણુ મુદ્દે વાતચીત માટે ઈરાનની નવી શરતો!
-
અમેરિકા સાથે પરમાણુ વાતચીત માટે ઈરાનની તૈયારી!
-
જૂની ભૂલો નજરઅંદાજ નહીં કરે ઈરાની તંત્ર!
-
પરમાણુ મુદ્દે ઈરાનનું સ્પષ્ટ અને આક્રમક વલણ!
સિટી ન્યુઝ @ તેહરાન
ઈરાન અને અમેરિકા વચ્ચે વિવાદનું સૌથી મોટું કારણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ રહ્યો છે. અમેરિકા તેની સખત વિરુદ્ધ રહ્યું છે, જ્યારે બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ હથિયારો બનાવવા માંગતું નથી પરંતુ માત્ર પરમાણુ ઊર્જા વિકસાવવા માંગે છે.
હવે આ સમગ્ર વિવાદ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ દેશનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે ઈરાન અમેરિકા સાથે પરમાણુ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ તે જૂની ફરિયાદોને ભૂલીને કે જમીની હકીકતને નજરઅંદાજ કરીને શરૂઆત નહીં કરે.
બઘાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન ક્યારેય શરૂઆતની સ્થિતિમાં પાછા નહીં જાય અને દરેક વીતતા દિવસના અનુભવનો ઉપયોગ પોતાની ક્ષમતાઓને મજબૂત કરવા તથા સામેવાળાની ભૂલોમાંથી શીખવા માટે કરશે.
આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન કૂટનીતિથી ક્યારેય પાછળ હટ્યું નથી અને તેને રાષ્ટ્રીય સુરક્ષાની સાથે એક જરૂરી સાધન માને છે, કારણ કે કૂટનીતિ તેમના માટે યુદ્ધના મેદાન જેટલી જ મહત્વપૂર્ણ છે.
અમેરિકાના લશ્કરી દબાણ અને પ્રતિબંધો પર નિશાન સાધતા તેમણે સવાલ કર્યો હતો કે જે પક્ષે વાતચીત વચ્ચેથી જ ચર્ચા પૂરી કરી દીધી હોય અને આર્થિક યુદ્ધ વધાર્યું હોય, તે પક્ષ વાતચીત કરવા ઈચ્છતો હોવાનો દાવો કેવી રીતે કરી શકે?
પરમાણુ વાતચીત પર ઈરાનની શરતો
અમેરિકા સાથેના પરમાણુ વિવાદ વચ્ચે ઈરાને વાતચીત માટે તૈયારી દર્શાવી છે પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે તે જૂની પરિસ્થિતિમાં પાછા નહીં ફરે. અમેરિકાના આર્થિક દબાણ અને પ્રતિબંધો વચ્ચે ઈરાને પોતાની શરતો અને રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપીને કૂટનીતિના માર્ગે આગળ વધવાની રણનીતિ અપનાવી છે, જે મધ્ય પૂર્વની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે.