Loading Please Wait !!!
રાજકોટમાં ક્ષત્રિયાણીઓ દ્વારા અદભૂત તલવાર રાસ

 

  • રાજકોટમાં ૨૦૦ ક્ષત્રિયાણીઓનો શૌર્યસભર અદભૂત તલવાર રાસ.

  • બાઈક અને જીપ પર તલવારબાજી કરતી વિરાંગનાઓ.

  • ડીજે વગરની નવરાત્રીમાં ક્ષત્રિય બહેનોનું શૌર્ય પ્રદર્શન.

સિટી ન્યુઝ @ રાજકોટ

રાજકોટના પેલેસ રોડ પર આવેલા રાજવી માંધાતાસિંહના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના પાવન પર્વે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભૂત શૌર્ય અને ખમીર સાથે તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ડીજે કે આધુનિક ગરબાના બદલે પ્રાચીન પરંપરાને જીવંત રાખતાં બહેનોએ ધારદાર તલવાર સાથે બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈને સાહસિક કરતબ સાથે રાસ રમી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ભવ્ય આયોજનથી ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરવામાં આવ્યો છે.

રણજીત વિલાસ પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા અને ત્રીજા નોરતે એમ બે દિવસ ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક સાથે 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ ભાગ લીધો હતો. ખુલ્લી જીપ અને બાઈક પર ઊભા રહીને તલવાર રાસ રમતાં ઉપસ્થિત લોકોને ઘોડેશ્વાર વિરાંગનાઓની યાદ તાજી થઈ હતી. તલવાર રાસ ઉપરાંત બહેનોએ દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસની રમઝટ પણ બોલાવી હતી.

માંધાતાસિંહજી જાડેજાના પત્ની મહારાણી કાદંબરીદેવીએ જણાવ્યું હતું કે, બ્રહ્મચારિણી ભગવતી દેવીની આપણે આરાધના કરીએ છીએ અને એમને યાદ કરતાં આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમ ખાસ ભગિની સેવા ફાઉન્ડેશનની બહેનો કરી રહી છે, જેઓ બધી ક્ષત્રિય બહેનો છે અને તેમના દ્વારા જ આનું આયોજન કરાયું છે. આયોજનની સાથે સાથે પૂરી મહેનત અને વ્યવસ્થા પણ આ બહેનો જ સંભાળી રહી છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે.

બહેનોએ આ શૌર્યપૂર્ણ પરફોર્મન્સ માટે છેલ્લા એક મહિનાથી સખત તાલીમ લીધી હતી. દેવ્યાનીબા ઝાલાએ જણાવ્યું હતું કે આ કાર સ્ટંટ અને પ્રોપ રાસ માટે લીડર્સ દ્વારા ખૂબ જ સરસ સહકાર આપવામાં આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો ન ભુલાય તે માટે આવા આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. સમયની સાથે અર્વાચીન ગરબા ભલે થાય, પરંતુ કેટલાક દિવસો પોતાની સંસ્કૃતિ માટે ચોક્કસ સમર્પિત કરવા જોઈએ.

છલ્લા 15 વર્ષથી હેરિટેજ વોક, સાફા બાંધવાની તાલીમ, પર્યાવરણ જાગૃતિ અને સૈનિકોને રાખડી મોકલવા જેવી પ્રવૃત્તિઓ કરતી ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ વિશેષ શિબિર યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં પણ ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એક સાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી નવી પેઢીને આપણી ઉજ્જવળ અને દિવ્ય સંસ્કૃતિનો પરિચય મળી રહે છે.