RSS નું મોટું નિવેદન: 'જેન-ઝીના દેખાવો સિસ્ટમની વ્યાપક નિષ્ફળતાનું પરિણામ'
-
વિશાખાપટ્ટનમમાં RSS સમન્વય સમિતિની 3 દિવસીય બેઠક બાદ C.R. મુકુંદનું નિવેદન
-
માત્ર વિરોધ કે વિધ્વંસ નહીં, યુવાનોની સમસ્યાઓનું સકારાત્મક સમાધાન જરૂરી
-
શિક્ષણ, રોજગારી અને બદલાતી આકાંક્ષાઓને પહોંચી વળવા સંસ્થાકીય સુધારાની જરૂર
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વિશાખાપટ્ટનમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની અખિલ ભારતીય સમન્વય સમિતિની 3 દિવસીય મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ સંઘ દ્વારા દેશના યુવા આંદોલનો અને સિસ્ટમની સ્થિતિ અંગે અત્યંત મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. નીટ પેપર લીક અને દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ તેમજ યુવાનો દ્વારા કરવામાં આવેલા દેખાવો અંગે સંઘના સહસરકાર્યવાહ સી.આર. મુકુંદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન માત્ર કોઈ એક મુદ્દા પૂરતું સીમિત નહોતું, પરંતુ તે દેશની સમગ્ર સિસ્ટમની વ્યાપક નિષ્ફળતાનું પરિણામ છે.
વિશાખાપટ્ટનમમાં આયોજિત આ બેઠકમાં સંઘ પરિવાર સાથે જોડાયેલી 40 થી વધુ વિવિધ ક્ષેત્રની સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં થયેલી ચર્ચાઓ બાદ સંઘે સરકારને સિસ્ટમમાં રહેલી ખામીઓને ઝડપથી દૂર કરવા નક્કર અને સકારાત્મક પગલાં ભરવાની સલાહ આપી છે. તેમણે ઉમેર્યું હતું કે પરિવર્તન માત્ર વિરોધ કે વિધ્વંસના રસ્તે નથી આવતું, પરંતુ વ્યવસ્થામાં સકારાત્મક સુધારા લાવીને સમાધાન લાવી શકાય છે.
સંઘના નેતા મુકુંદે જણાવ્યું કે યુવાનોની ચિંતા માત્ર કોઈ એક પરીક્ષા કે વિભાગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ, રોજગારી અને ઝડપથી બદલાતી સામાજિક આકાંક્ષાઓને કારણે યુવા પેઢી પોતાના ભવિષ્ય પ્રત્યે અત્યંત ચિંતિત અને વ્યાકુળ છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સરકારી સંસ્થાઓની કાર્યપદ્ધતિમાં રહેલી ત્રુટિઓને કારણે યુવાનોમાં અસંતોષ વધ્યો છે, જેને દૂર કરવા માટે માત્ર સરકારી જ નહીં પરંતુ વ્યાપક સામાજિક પ્રયાસો પણ અનિવાર્ય છે.
આ બેઠકમાં ભારતમાં વસ્તી સંતુલનમાં આવી રહેલા ફેરફારો અંગે પણ ગંભીર મનોમંથન કરવામાં આવ્યું હતું. હાલ દેશમાં યુવા વર્ગની વસ્તી વધારે છે, પરંતુ ભવિષ્યમાં આ સંતુલન બદલાઈ શકે છે. કેટલાક સમુદાયોમાં જન્મદરનો અસંતુલિત વધારો અને અન્યમાં ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે.
આ સાથે જાહેરાત કરવામાં આવી હતી કે RSS ના શતાબ્દિ વર્ષ નિમિત્તે વૈશ્વિક સંપર્ક કાર્યક્રમના ભાગરૂપે સંઘ વડા મોહન ભાગવત ટૂંક સમયમાં અમેરિકા, કેનેડા અને બ્રિટનના વિદેશ પ્રવાસે જશે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ભારત અને ભારતીય સંસ્કૃતિની સકારાત્મક છબી રજૂ કરવાનો તેમજ વિદેશમાં વસતા ભારતીયો સાથે સંવાદ સાધવાનો છે.
યુવા આંદોલનો સિસ્ટમની નિષ્ફળતા: RSS
વિશાખાપટ્ટનમમાં RSS ની સમન્વય બેઠક બાદ સહસરકાર્યવાહ સી.આર. મુકુંદે જણાવ્યું કે જેન-ઝી યુવાનોના દેખાવો સિસ્ટમની નિષ્ફળતાનું પરિણામ છે. સરકારે યુવાનોમાં શિક્ષણ અને રોજગારી અંગે વધતી ચિંતાઓનું નિવારણ લાવવું જોઈએ. દરમિયાન, શતાબ્દિ વર્ષ નિમિત્તે સંઘ પ્રમુખ મોહન ભાગવત અમેરિકા, કેનેડા અને બ્રિટનના પ્રવાસે જશે.