સદીનો સૌથી ભયાનક અલ-નિનો: 2027 માં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે
-
બ્રિટનના હવામાન વિભાગે 2027 માટે ગંભીર વૈશ્વિક હીટવેવની આગાહી કરી
-
પ્રશાંત મહાસાગરનું તાપમાન November સુધીમાં 3.9°C સુધી વધવાની શક્યતા
-
ભારતમાં ચોમાસું માત્ર 90% રહેવાનો અંદાજ, છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો વરસાદ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
બ્રિટનના હવામાન વિભાગ દ્વારા અલ-નિનો (El Nino) ને લઈને અત્યંત ચિંતાજનક અને ગંભીર વૈશ્વિક આગાહી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હવામાન વિજ્ઞાનીઓના અહેવાલો મુજબ, આગામી અલ-નિનો આ સદીનો સૌથી શક્તિશાળી અને છેલ્લા 100 વર્ષનો સૌથી ભયાનક અલ-નિનો સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વર્ષ 2027 માં પડનારી અસહ્ય ગરમી અને હીટવેવ વૈશ્વિક સ્તરે તાપમાનના અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે.
હવામાન વિભાગના ડેટા અનુસાર પ્રશાંત મહાસાગરનું સપાટીનું તાપમાન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્ષ 2015 ની સરખામણીએ હાલમાં પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.6°C વધુ નોંધાયું છે, જે આગામી November સુધીમાં વધીને 3.9°C સુધી પહોંચી જવાની શક્યતા છે. હાલમાં જ વિશ્વભરનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 1.5°C વધુ ચાલી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક ક્લાઈમેટ પેટર્નમાં મોટા ઉથલપાથલ સર્જાવાની ભીતિ છે.
આ મહાકાય અલ-નિનોની સીધી અને ગંભીર અસર ભારતના હવામાન તેમજ ચોમાસા પર પડવાની ધારણા છે. ભારતમાં ચોમાસા દરમિયાન સરેરાશ સામાન્ય વરસાદના માત્ર 90% જેટલો જ વરસાદ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે છેલ્લા 11 વર્ષનો સૌથી ઓછો વરસાદ સાબિત થશે.
વરસાદની અછત અને સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 3°C જેટલું ઊંચું રહેવાના કારણે ભારતીય કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડશે. દેશના બે મુખ્ય ખરીફ પાકોની સાથે-સાથે આગામી રવી પાકના ઉત્પાદનને પણ વ્યાપક નુકસાન પહોંચશે, જેના પરિણામે દેશમાં ખાદ્યચીજોના ભાવ વધતાં મોંઘવારીનો અસહ્ય બોજ સામાન્ય જનતા પર વધવાની શક્યતા છે.
હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર અલ-નિનોની અસર સામાન્ય રીતે 9 મહિનાથી 1 વર્ષ સુધી સક્રિય રહે છે. અગાઉ વર્ષ 2024 માં રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી, પરંતુ વર્ષ 2027 માં ત્રાટકનારી હીટવેવ 2024 કરતાં પણ ઘણી વધુ ઘાતક અને વિનાશક સાબિત થશે.
સદીના સૌથી ભયંકર અલ-નિનોની ચેતવણી
બ્રિટિશ હવામાન વિભાગ મુજબ વર્ષ 2027 માં 100 વર્ષનો સૌથી ભયાનક અલ-નિનો ત્રાટકશે. પ્રશાંત મહાસાગરનું તાપમાન વધીને 3.9°C સુધી પહોંચવાની શક્યતા છે. ભારતમાં 11 વર્ષનું સૌથી નબળું ચોમાસું રહેતાં માત્ર 90% વરસાદની ધારણા છે. રવી પાકને નુકસાનથી અનાજ ઉત્પાદન ઘટશે અને દેશમાં મોંઘવારી વધશે.