ઇન્દ્રપુરી વોર્ડની હાલત નર્કાગાર જેવી: છ મહિનાથી રોડ બંધ અને કોર્પોરેટરો ગાયબ, જનતામાં ભારે રોષ!
- ચૂંટણી ટાણે નેતાઓ મેદાને પણ પ્રજા ત્રાહિમામ - વરસાદમાં કેડ સમાં પાણી અને બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
- "ભાજપના નામે મત લઈ જાય છે પણ કામ કરતા નથી" - કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંઘલના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો
- આંગણવાડીમાં દારૂ-જુગારના અડ્ડા અને લાઈબ્રેરીની હાલત મૃતપાય - સ્થાનીક રહીશોએ ઠાલવી હૈયાવરાળ
અમદાવાદમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે, પરંતુ વોર્ડ નંબર 42 ઇન્દ્રપુરીના મતદારોનો મિજાજ સત્તાધારી પક્ષ માટે ચિંતાજનક જણાઈ રહ્યો છે. 'દિવ્ય ભાસ્કર'ની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, અહીંના રહીશો પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસી રહ્યા છે. સ્થાનિક નાગરિક કિરણભાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારા વિસ્તારનું નામ તો ઇન્દ્રપુરી છે, પણ અહીંની સ્થિતિ કોઈ નર્કથી ઉતરતી નથી."
વોર્ડના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંઘલના જણાવ્યા મુજબ, છેલ્લા 6 મહિનાથી મુખ્ય રસ્તાઓ બંધ છે અને ચોમાસામાં અહીં કેડ સમાં પાણી ભરાઈ જાય છે. CTM ચાર રસ્તા પાસે જંક્શન બનાવવાનું આશ્વાસન તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ આજે ત્યાં ફૂટપાથ કે રોડના કોઈ ઠેકાણા નથી. વધુમાં, વિસ્તારમાં ઠેર-ઠેર ભુવાઓ પડ્યા છે, જેનું મહિનાઓ સુધી પુરાણ કરવામાં આવતું નથી. પીવાના પાણીની સમસ્યા પણ એટલી જ ગંભીર છે, કાં તો પાણી આવતું નથી અને જો આવે છે તો તે અત્યંત ગંદુ હોય છે.
સરકારી મિલકતોની જાળવણીમાં પણ કોર્પોરેશન નિષ્ફળ સાબિત થયું હોય તેમ દેખાય છે. ગાય સર્કલ પાસે આવેલ કુશાભાઉ ઠાકરે હોલની છતમાંથી પાણી ટપકે છે અને ત્યાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, વોર્ડની આંગણવાડી છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં છે, જેમાં ઉગી નીકળેલા ઘાસ વચ્ચે દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વિમિંગ પૂલ અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ પણ અત્યારે મૃતપાય હાલતમાં છે.
રાજકીય મોરચે જોતા, ઇન્દ્રપુરી વોર્ડમાં ચાર કોર્પોરેટરોમાંથી એકનું નિધન થયું છે, જ્યારે બાકીના ત્રણમાંથી એક પણ નેતા પ્રજાની વચ્ચે આવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. રાજેન્દ્ર સિંઘલે આક્ષેપ કર્યો છે કે, "ભાજપના નેતાઓ માત્ર પક્ષના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે તેમને ક્યારેય મત મળ્યા નથી." બીજી તરફ, જ્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર કૌશિકભાઈ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ ગંભીર મુદ્દાઓ પર વાત કરવાનું ટાળીને બહાના બનાવ્યા હતા.
વડોદરા એક્સપ્રેસ-વે જેવા મહત્વના માર્ગો જ્યાંથી પસાર થાય છે તેવા આ વોર્ડમાં ટ્રાફિકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાકભાજીની લારીઓ માટે અલગ પ્લોટની માંગણી પણ સંતોષવામાં આવી નથી. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઇન્દ્રપુરીની જનતા પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 26 એપ્રિલે મતદારો આ બિસ્માર હાલતનો જવાબ બેલેટ પેપર દ્વારા કેવી રીતે આપે છે.