દેશમાં તમામ વીમા સેવાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે: IRDAI બનાવશે પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રી
-
ભારતીય વીમા પ્રાધિકરણ નિગમ દ્વારા પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રી શરૂ કરવા દરખાસ્ત રજૂ કરાઈ
-
એક જ યુનિક આઇડીથી પ્રીમિયમ ભર્યાની વિગતો, ક્લેમ સ્ટેટસ અને પોલિસી લેપ્સની સ્થિતિ જણાશે
-
કોઈપણ કંપની સામેની ફરિયાદ તેમજ વિવિધ વીમા સેવાઓ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ બનશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશભરમાં વીમા ક્ષેત્રનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે તમામ પ્રકારની વીમા સેવાઓને એક જ કેન્દ્રીય પ્લેટફોર્મ હેઠળ લાવવા માટે તંત્ર દ્વારા મોટી તૈયારી હાથ ધરવામાં આવી છે. ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તામંડળ (IRDAI) દ્વારા આ દિશામાં મહત્વનું પગલું ભરીને 'પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રી' (PIR) ની સ્થાપના કરવાનો સત્તાવાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
આ એક અત્યાધુનિક સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ હશે, જેમાં દરેક વીમાધારકને એક વિશિષ્ટ યુનિક આઇડી ફાળવવામાં આવશે. આ સિંગલ આઇડીની મદદથી પોલિસી ધારક પોતાની તમામ પોલિસીઓ, પ્રીમિયમની ચૂકવણી, પોલિસી લેપ્સ થયાની સ્થિતિ તેમજ ક્લેમ સ્ટેટસની વિગતો ગમે ત્યારે સરળતાથી મેળવી શકશે, જેથી જુદા-જુદા દસ્તાવેજો સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિએ પોતાના જીવન, આરોગ્ય કે વાહન માટે જુદી-જુદી વીમા કંપનીઓ પાસેથી પોલિસીઓ ખરીદી હોય છે. આ નવા પોર્ટલના અમલ બાદ પોલિસીધારક એક જ જગ્યાએ લોગ-ઇન કરીને તમામ કંપનીઓની પોલિસીઓનું સંકલિત વિવરણ જોઈ શકશે. આ ઉપરાંત પોલિસીમાં નોમિનીનું નામ અપડેટ કરવું, સરનામું બદલવું કે અન્ય સર્વિસ રિક્વેસ્ટ પણ અહીંથી સીધી જ મોકલી શકાશે.
આ પ્લેટફોર્મ અનક્લેમ્ડ (બિનવારસી) વીમા રકમની સમસ્યા ઉકેલવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. વીમાધારકો કે તેમના કાયદેસરના વારસદારો પોર્ટલ દ્વારા જૂની કે બાકી રહેલી ક્લેમ રકમની માહિતી મેળવી શકશે. સાથે જ જો કોઈ વીમા કંપની ગ્રાહક સેવા કે ક્લેમ સેટલમેન્ટમાં વિલંબ કરે, તો તેના વિરુદ્ધ સીધી ઓનલાઇન ફરિયાદ દાખલ કરવાની સુવિધા પણ આ જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.
આ સમગ્ર ડિજિટલ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે સંબંધિત વિભાગો, વીમા કંપનીઓ અને સામાન્ય જનતા પાસેથી 30 સપ્ટેમ્બર સુધીમાં મંતવ્યો અને રચનાત્મક સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત સૂચનોના વિશ્લેષણ બાદ પોર્ટલને અંતિમ સ્વરૂપ આપીને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
તમામ વીમા પોલિસી માટે સિંગલ પોર્ટલ
IRDAI દ્વારા તમામ પ્રકારની વીમા પોલિસીઓને એક પ્લેટફોર્મ પર લાવવા પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એક યુનિક આઇડી દ્વારા ધારક પ્રીમિયમ, પોલિસી લેપ્સ, ક્લેમ અને અનક્લેમ્ડ રકમની વિગતો જાણી શકશે તેમજ ફરિયાદ પણ નોંધાવી શકશે. આ યોજના માટે 30 સપ્ટેમ્બર સુધીમાં સૂચનો મંગાવાયા છે.