Loading Please Wait !!!
ગાંધીનગરમાં હિટ એન્ડ રન: પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષના આશાસ્પદ યુવાનનો જીવ લીધો!

  • કોબા રોડ પર સુકન સ્કાય પાસે ગમખ્વાર અકસ્માત - હોટલના કિચન હેલ્પરનું કરુણ મોત, ચાલક કાર મૂકી ફરાર
  • રાત્રિના અંધકારમાં અકસ્માત સર્જી ચાલક છૂમંતર - ઇન્ફોસિટી પોલીસે GJ-18-BN-6637 નંબરની કાર કબજે કરી
  • 18 વર્ષીય હિમાંગશુ શર્માનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત - ઇન્ફોસિટી પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

રાજ્યના પાટનગર ગાંધીનગરના માર્ગો પર બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. કોબા સર્કલથી ગાંધીનગર તરફ આવતા મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી ફોરવ્હીલર ગાડીના ચાલકે રોડ પર ચાલીને જઈ રહેલા ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે યુવાનનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જી ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો છે.

ઘટનાની વિગત મુજબ, પેથાપુરના રહેવાસી અને કુડાસણ સ્થિત 'ધ મસાલા સિક્રેટ' રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આદિલભાઈ પરમારે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૩ એપ્રિલની રાત્રે અંદાજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં રેસ્ટોરન્ટના હેડ સેફ સુખદેવભાઈ ભટ્ટનો ફોન આવ્યો હતો કે કિચન હેલ્પર તરીકે કામ કરતો હીમાંગશુ અર્જુનભાઈ શર્મા અકસ્માતનો ભોગ બન્યો છે. આ સમાચાર સાંભળી આદિલભાઈ અને સ્ટાફના અન્ય સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ રાંદેસણમાં રહેતો ૧૮ વર્ષીય હીમાંગશુ કામ પતાવીને સુકન સ્કાય એપાર્ટમેન્ટ પાસેથી ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે સમયે GJ-18-BN-6637 નંબરની કારના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી હીમાંગશુને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે હીમાંગશુને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા અરેરાટી મચી ગઈ હતી.

અકસ્માત બાદ કાર ચાલક પકડાઈ જવાના ડરે પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. ઇન્ફોસિટી પોલીસે કાર કબજે કરી તેના માલિકની અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ૧૮ વર્ષના યુવાનના આકસ્મિક મોતના સમાચારથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટ અને ગુજરાતના અન્ય હાઈવે પર વધતા જતા અકસ્માતો વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર રાત્રિના સમયે વાહનોની ગતિ મર્યાદા અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.