Loading Please Wait !!!
"જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું 'સર્જિકલ' પેટ્રોલિંગ: ઈરાન-અમેરિકા તણાવની અસર"

  • હાઈ એલર્ટ વચ્ચે મરીન કમાન્ડોએ સંભાળ્યો મોરચો - સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ.
  • સરમતની નાળથી સિક્કા સુધી ફૂટ પેટ્રોલિંગ - શંકાસ્પદ બોટ અને શખ્સોની પૂછપરછ તેજ.
  • આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા દરિયાઈ સુરક્ષા કવચ મજબૂત - ડી.સી.સી. જેટી પર ચાંપતો બંદોબસ્ત.

જામનગર: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને પ્રવર્તતા તણાવને પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવધ બની છે. ગુજરાતના લાંબા અને સંવેદનશીલ ગણાતા જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે અસામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગર સેક્ટરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના એડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા તેમજ મરીન ટાસ્ક ફોર્સના આઈજી પી.એલ. માલના માર્ગદર્શન હેઠળ જામનગર સેક્ટરના પીઆઈ ડી.આર. યાદવ અને મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળ્યા હતા. ખાસ કરીને સરમતની નાળ, રસૂલનગર, સિક્કા સોલ્ટ ગેટ અને ડી.સી.સી. જેટી જેવા વ્યુહાત્મક અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર મરીન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ ખાસ ડ્રાઈવ દરમિયાન દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ પોઈન્ટ્સ અને ફિશિંગ સેન્ટરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સમુદ્રમાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને અજાણ્યા વ્યક્તિઓની ઉંડી પૂછપરછ તેમજ તલાશી લેવામાં આવી રહી છે. આતંકવાદી પ્રવૃત્તિ કે સમુદ્ર માર્ગે થતી ઘૂસણખોરીની શક્યતાઓને નકારી ન શકાય તે હેતુથી દરિયાકાંઠાની અવાવરુ જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારો અને માછીમારોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો દરિયામાં કે કાંઠા વિસ્તારમાં કોઈ પણ અજાણી બોટ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. હાલમાં જામનગરનો દરિયાકાંઠો પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સના અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયો છે.