ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
ચાર સિસ્ટમ સક્રિય; ઉત્તર ગુજરાતમાં 1થી 5 ઇંચ વરસાદ
સિટી ન્યૂઝ@અમદાવાદ
સવારના ૬થી ૧૨ વાગ્યા સુધીમાં ૮૧ તાલુકામાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં ૬ ઇંચ તો મહીસાગરના કોઠંબામાં ૪ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ૧૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. છેલ્લી બે કલાકમાં મહીસાગરના કોઠંબામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શ્ચીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે ૧૧ ઓગસ્ટે ત્રણ જિલ્લાનાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જ્યારે ૯ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આવતીકાલે એટલે કે ૧૨ ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ૨૧ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારે ૨ કલાકમાં જ ગાજવીજ સાથે ૧ ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરામાં વરસાદનું જોર વધુ રહ્યું.
વરસાદના કારણે સોલા, એસ.જી. હાઈવે અને નિકોલમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ભારે વરસાદથી એસ.જી. હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ નજીક મોટો ભૂવો પડતાં AMC દ્વારા વિસ્તાર કોર્ડન કરાયો છે. ગાંધીનગર શહેર અને કલોલમાં પણ વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને કોઠંબાના રબડીયા ગામે કાચું મકાન ધરાશાયી થયું છે. બીજી તરફ વાવ-થરાદ, અમરેલી અને છોટાઉદેપુર પંચમહાલમાં એક અઠવાડિયાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતાં રૂજાઈ રહેલા પાકોને નવજીવન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- રાજસ્થાનનાં 4 જિલ્લામાં 12 ઈંચ વરસાદ
- મધ્યપ્રદેશમાં 24 કલાકથી વરસાદ ચાલુ યુપીમાં 25 મકાનો ગંગામાં ડૂબી ગયા
- સિટી ન્યૂઝ@નવીદિલ્હી
મધ્યપ્રદેશમાં આ ચોમાસાની સિઝનની સૌથી મજબૂત સિસ્ટમને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંધીતૂર બની અને ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા. રાજધાની ભોપાલ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત રહ્યું. અહીં ૧,૦૦૦થી વધુ ઘરોની આસપાસ ૫ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું,પહાડો પર થઈ રહેલા વરસાદને કારણે યુપીમાં ગંગા-યમુના સહિત ૧૦ નદીઓ છલકાઈ રહી છે. ફરૂઝાબાદ-બિજનોરમાં ગંગા નદીનું પાણી હાઈવે ઉપર
વહી રહ્યું છે. ૪૦ ગામો પૂરની ઝપેટમાં છે. ફરૂઝાબાદમાં ૨૫ ઘરો ગંગા નદીમાં સમાઈ ગયા છે.રાજસ્થાનના ૬ જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ૧૭ જિલ્લાઓમાં તેજ વરસાદનું ચલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા છેલ્લા ૨૪ કલાકમાં હાડોતી વિસ્તાર (કોટા, બારાં, બુંદી અને ઝાલાવાડ) માં ૧૨ ઇંચ સુધી વરસાદ થયો. હાડોતીના બે મોટા બંધ કાળીસિંઘ અને છાપીના દરવાજા જોલવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.