ખેતરોમાં વિજ લાઈન નાખવાની સામે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ
ખેડૂતોને પહેલા સાંભળવા જરૂરી
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાતભરમાં ખેડૂતોની જમીનમાં તેમની રજૂઆતો સાંભળ્યા વિના જ વીજ કંપનીઓ દ્વારા બારોબાર વીજ લાઈન અને વીજ થાંભલાઓ નાંખવાની મનમાની સામે ગુજરાત હાઈકોર્ટ લાલ આંખ કરી છે.
અમદાવાદ જિલ્લાના કમીયાળા (કમીયાળા) ગામના ખેડૂતોના હિતમાં ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોની જમીનમાંથી ટ્રાન્સમીશન લાઈન પસાર કરતા પહેલાં તેમને સાંભળવા અનિવાર્ય છે. હાઈકોર્ટે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા વિવાદાસ્પદ હુકમને રદબાતલ ઠેરવ્યો છે.
અરજદાર રામદેવસિંહ વણાર તથા અન્ય ખેડૂતો દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, જેટકો (JETCO) કંપની દ્વારા ધોલેરા ‘સર’ (SIR) એરિયામાં ટ્રાન્સમીશન લાઈન નાંખવાની કામગીરી હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ધોલેરાના કમીયાળા ગામે ખેડૂતોની જમીનમાંથી ગેરકાયદે અને મનમાની રીતે વીજલાઈન નાંખવાની પ્રક્રિયા શરૂ કરાતાં ખેડૂતોની કિંમતી જમીન અને ઊભા પાકને ગંભીર નુકસાન થવાની દહેશત ઊભી થઈ હતી.