"ચૂંટણી પંચનું નબળું 'નેટવર્ક': વેબસાઈટ પર વર્ષો જૂનો ડેટા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ તંત્રની પોલ ખુલી"
- એપ્રિલમાં ચૂંટણીના એંધાણ છતાં ડિજિટલ પ્લેટફોર્મ અપડેટ નથી - OBC અનામતના નવા રોટેશનની માહિતી ગાયબ
- કેન્દ્રીય ચૂંટણી પંચ હાઈટેક અને રાજ્ય ચૂંટણી પંચ ઠપ - રાજકીય પક્ષો અને જનતા માહિતી માટે ફાંફા મારે છે
- ઓક્ટોબર 2025માં ફેરફાર થયા છતાં પોર્ટલ પર જૂની વિગતો - ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાના આરે છતાં તંત્ર નિદ્રાધીન
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો પોતપોતાના સ્તરે પ્રચારમાં લાગી ગયા છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. પરંતુ આ આખી પ્રક્રિયાનું સંચાલન કરનાર રાજ્ય ચૂંટણી પંચ પોતે જ કેટલી તૈયાર છે તે એક મોટો પ્રશ્ન છે. ચોંકાવનારી વિગત એ છે કે, ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર હજુ પણ જૂની માહિતીનો જ ભરમાર છે, જેના કારણે માહિતીના અભાવે રાજકીય ગરમાવો વધ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત અમલી બનાવ્યા બાદ, ઓક્ટોબર 2025માં જ તમામ મહાનગરપાલિકાઓ અને પંચાયતોના નવા રોટેશન (અનામત બેઠકોની યાદી) જાહેર કરી દેવામાં આવ્યા હતા. નિયમ મુજબ આ તમામ માહિતી તાત્કાલિક અસરથી વેબસાઈટ પર અપલોડ થવી જોઈએ જેથી નાગરિકો અને ઉમેદવારોને ખબર પડે કે કયા વોર્ડમાં કઈ બેઠક અનામત છે. જોકે, સ્ટેટ ઇલેક્શન કમિશનની સાઇટ ખોલતા જ હજુ જૂના રોટેશન અને જૂની બેઠકોની વિગતો સામે આવે છે, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે.
પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત ક્યારે પૂર્ણ થઈ છે અને ક્યાં વહીવટદારો શાસન કરી રહ્યા છે તેની પણ સ્પષ્ટ અને અપડેટેડ માહિતી પંચ પાસે ઓનલાઈન ઉપલબ્ધ નથી. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) જે રીતે દરેક નાની-મોટી વિગત રિયલ ટાઈમમાં અપડેટ કરે છે, તેની સરખામણીએ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની કામગીરી અત્યંત નબળી સાબિત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તારીખ જાહેર થવાના આરે છે છતાં તંત્ર હજુ પણ ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્ત હોવાનું જાણવા મળે છે.
વેબસાઈટ પર જૂની માહિતી હોવાના કારણે રાજકીય પક્ષોમાં પણ મુંઝવણ વધી છે. ઉમેદવારોની પસંદગી અને જ્ઞાતિગત સમીકરણો બેસાડવા માટે પક્ષોને અધિકૃત ડેટાની જરૂર હોય છે, પરંતુ ઓનલાઈન પોર્ટલ પર ખોટી કે જૂની માહિતીના કારણે આયોજન ખોરવાઈ રહ્યું છે. વિપક્ષોએ આ મુદ્દે સરકાર અને પંચને ઘેરતા આક્ષેપ કર્યો છે કે, જાણી જોઈને માહિતી છુપાવવામાં આવી રહી છે અથવા તો તંત્ર હજુ પણ ચૂંટણી માટે માનસિક રીતે તૈયાર નથી.
રાજકીય વિશ્લેષકોના મતે, જો ડેટા વ્યવસ્થાપન આટલું નબળું હોય, તો સમગ્ર રાજ્યમાં એકસાથે નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ચૂંટણી યોજવી મુશ્કેલ બની શકે છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ જો કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે એપ્રિલમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા પંચ પોતાની વેબસાઈટને 'હાઈટેક' બનાવે છે કે પછી જનતા અને રાજકીય પક્ષોએ આવી જ અવ્યવસ્થા વચ્ચે ચૂંટણી લડવી પડશે.