NEET-UG પરીક્ષા પહેલાં ગુજરાત પોલીસનું કડક વલણ: 19થી 21 જૂન હાઈ-એલર્ટ
- સોશિયલ મીડિયા પર બાજ નજર, પરીક્ષા કેન્દ્રો પર સઘન સુરક્ષા બંદોબસ્ત
- પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્સ સેન્ટરો પર નજર, ડીજીપીની ખાસ સૂચના
- મોબાઈલ-ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ, ઉમેદવારોનું થશે સઘન ફ્રિસ્કિંગ
સિટી ન્યુઝ @ ગાંધીનગર
રાજ્યમાં ૨૧ જૂને યોજાનારી NEET-UG પરીક્ષાને લઈને ગુજરાત પોલીસ તંત્ર અત્યંત સતર્ક બની ગયું છે. પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે રાજ્યના પોલીસ વડા (ડીજીપી) જી.એસ. મલિક દ્વારા ખાસ વિડિયો કોન્ફરન્સ યોજી તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા વડાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. પરીક્ષાની કાયદો અને વ્યવસ્થા માટે આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં ઝેરોક્સ સેન્ટરો પર બાજ નજર રાખવા અને NTAની તમામ ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરાવવા આદેશ અપાયા છે. પોલીસને ઉમેદવારોનું સઘન પરંતુ સંવેદનશીલ ફ્રિસ્કિંગ કરવા અને મહિલા ઉમેદવારો તથા વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વર્તન જાળવવા તાકીદ કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ, સ્માર્ટ વોચ અને અન્ય પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક સાધનો જમા કરાવવા માટે સ્પેશિયલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
કોઈપણ પ્રકારની અફવા કે ભ્રામક માહિતી ફેલાવતા તત્વોને ડામવા સોશિયલ મીડિયા મોનિટરિંગને સક્રિય કરવામાં આવ્યું છે. ૨૦ જૂનના રોજ NTAના પ્રતિનિધિઓ સાથે તમામ પોલીસ યુનિટના વડાઓ પરીક્ષા કેન્દ્રોની સંયુક્ત મુલાકાત લેશે. આ ઉપરાંત, ૧૯થી ૨૧ જૂન દરમિયાન પરીક્ષા સામગ્રીની સુરક્ષા અને ગોપનીયતા માટે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સઘન રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરાશે. ૨૧ જૂને યોગ દિવસ હોવા છતાં, પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે અલગ માનવબળ ફાળવીને સુરક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
NEET-UG પરીક્ષા સુરક્ષા વ્યવસ્થા
ગુજરાત પોલીસે પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કર્યું છે. અફવાખોરો પર નજર રાખવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ ૨૪ કલાક કાર્યરત રહેશે. ૧૫ જૂનથી સતત તૈયારીઓ કરી રહેલ પોલીસ તંત્ર હવે ૧૯ જૂનથી મેદાનમાં ઉતરી રહ્યું છે. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે પોલીસનો કાફલો રાત-દિવસ સુરક્ષામાં ખડેપગે રહેશે.