અમદાવાદ ભાજપના 35 નામ નક્કી: ફોર્મ ભરવાના અંતિમ દિવસ પૂર્વે રાજકીય ખીચડો, જૂઓ સંભવિત લિસ્ટ!
- આંતરિક ખેંચતાણમાં યાદીઓ લટકી – કોંગ્રેસે શરૂ કર્યો 'ફોન પર મેન્ડેટ'નો ખેલ, સુરતમાં AAPમાં ભડકો
- ફોર્મ ભરવા માટે માત્ર 24 કલાક બાકી – અમદાવાદમાં ભાજપના દિગ્ગજ ચહેરાઓના નામ ફાઈનલ
- ચાંદખેડામાં રાજશ્રી કેસરીએ સાફો પહેરી ફોર્મ ભર્યું – સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોને મળ્યા 'ગુપ્ત ફોન'.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવા માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આવતીકાલે 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસની સત્તાવાર યાદીઓ હજુ સુધી જાહેર થઈ નથી. આંતરિક ખેંચતાણ અને પોતાના માનીતાઓને ટિકિટ અપાવવાની જીદને કારણે હાઈકમાન્ડ ભારે દબાણમાં છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટમાં ટિકિટ વહેંચણીને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપના 35 ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ગોતા વોર્ડમાંથી કેતન પટેલ અને અજય દેસાઈ, સાબરમતીથી નીરજ ગજ્જર, અને મણિનગરથી કરણ ભટ્ટ જેવા નામો ચર્ચામાં છે. બીજી તરફ, કોંગ્રેસે વિવાદ ખાળવા માટે નવી રણનીતિ અપનાવી છે. પક્ષ દ્વારા સત્તાવાર યાદી બહાર પાડવાને બદલે ઉમેદવારોને સીધા ફોન કરીને મેન્ડેટ લેવા માટે જાણ કરવામાં આવી રહી છે. સુરતમાં પણ ત્રણ ઉમેદવારોને આવા ફોન આવી ગયાની ચર્ચા છે.
ચૂંટણી પૂર્વે પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. સુરત આમ આદમી પાર્ટી (AAP) માં ભડકા જેવી સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 12 માં ટિકિટની ફાળવણી બાદ અસંતોષ ફાટી નીકળતા ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ સામુહિક રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ ઘટનાએ સુરત AAP ના ગઢમાં ગાબડું પાડ્યું છે. દરમિયાન, સુરત ભાજપના પ્રબળ દાવેદાર ગણાતા ધાર્મિક માલવિયાને મનપાની ચૂંટણીમાં ટિકિટ ન આપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપવાની રણનીતિ ઘડાઈ છે.
અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરીએ આજે શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. સાફો પહેરીને સમર્થકો સાથે પહોંચેલા આ ઉમેદવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જોકે, મોટાભાગના વોર્ડમાં હજુ પણ 'મેન્ડેટ' કોને મળશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અત્યારે પણ નામોના છાંટણા થઈ રહ્યા છે, અને સાંજ સુધીમાં આખરી યાદી જાહેર થાય તેવી શક્યતા છે.
રાજકોટમાં પણ સ્થિતિ અમદાવાદ જેવી જ જોવા મળી રહી છે. નેતાઓ પોતાના ગઢ બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો ઉમેદવારોના નામ જાહેર કરવામાં વધુ વિલંબ થશે, તો ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ કલેક્ટર કચેરીઓ પર ભારે અફરાતફરી સર્જાઈ શકે છે. અત્યારે રાજ્યભરની રાજકીય કચેરીઓ પર કાર્યકરોનો જંભાવડો જોવા મળી રહ્યો છે, દરેકની નજર હવે 'મેન્ડેટ' અને 'મેસેજ' પર ટકી છે.