સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ: ભાજપ-કોંગ્રેસ-AAP ના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ!
- ખેસ પહેરાવ્યા અને પગ નીચે કચડ્યા – વડોદરામાં કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થતા ખળભળાટ
- કુમાર કાનાણીના 'આપ' પર આકરા પ્રહાર – ચૂંટણી જંગ પૂર્વે ગુજરાતના રાજકારણમાં ગરમાવો
- સામ, દામ, દંડ અને ભેદની નીતિ શરૂ – 15 એપ્રિલ બાદ સ્પષ્ટ થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારની શરૂઆત થતાની સાથે જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. સોમવારે સુરત કલેક્ટર કચેરી જાણે સમરાંગણમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને પક્ષના ખેસ ઉતારી એકબીજાને પહેરાવ્યા હતા, એટલું જ નહીં, વિરોધમાં પક્ષના ખેસને પગ નીચે કચડીને અપમાનિત પણ કરવામાં આવ્યા હતા. આ હંગામાને પગલે કલેક્ટર કચેરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
બીજી તરફ, વડોદરામાં કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું છે, જેને પગલે કોંગ્રેસ છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે. રાજ્યભરમાં આજે 13 એપ્રિલે ઉમેદવારી પત્રકોની ચકાસણી ચાલી રહી છે, જેમાં અનેક મોટા માથાઓના ફોર્મ રદ થવાની શક્યતાએ ગરમાગરમી વધારી દીધી છે. 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે જ સ્પષ્ટ થશે કે મેદાનમાં કેટલા ખેલાડીઓ બચ્યા છે.
સુરતમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં પણ આંતરિક અસંતોષ ભભૂકી રહ્યો છે. વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ)માં સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300 થી વધુ કાર્યકરોએ ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોનો આરોપ છે કે ઉમેદવાર નક્કી કરવામાં પક્ષપાત રાખવામાં આવ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પોલીસ કાફલાએ મોરચો સંભાળવો પડ્યો હતો.
ચૂંટણી પ્રચાર દરમિયાન શબ્દયુદ્ધ પણ ચરમસીમાએ પહોંચ્યું છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ એક સભામાં આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, "હું વિકાસની વાત કરું છું ત્યારે આપ વાળા પૂછે છે કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. હું પૂછવા માંગુ છું કે જો તમે સત્તામાં આવશો તો શું વિકાસ તમારા બાપના પૈસાથી કરશો?" આ નિવેદન બાદ સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યની નજર હવે 15 એપ્રિલ પર ટકેલી છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા માટે અત્યારે 'સામ, દામ, દંડ અને ભેદ' ના ખેલ શરૂ થઈ ગયા છે. હરીફ ઉમેદવારોને સમજાવવા કે દબાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં આ રાજકીય જંગ વધુ તીવ્ર બને તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.