"બેન્ક હરાજીમાં મિલકત ખરીદનારાઓ માટે હાઈકોર્ટનો મોટો ફેંસલો: સરકારી બોજો હોય તો પણ દસ્તાવેજ નોંધણી રોકી શકાશે નહીં"
- જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકનો ઐતિહાસિક ચુકાદો - વેચાણ પ્રમાણપત્ર જાહેર થયા બાદ નોંધણી અધિકારી કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે.
- ભાવનગરના 'રાજ પિક્ચર હાઉસ' કેસમાં હાઈકોર્ટનો આદેશ - વેટ વિભાગનો બોજો હોવા છતાં દસ્તાવેજ નોંધણીના અવરોધો દૂર.
- સત્તાવાળાઓના ઇનકારના હુકમને હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યો - મિલકત ખરીદનારાઓના હિતમાં મોટો કાનૂની વિજય.
ગુજરાત હાઈકોર્ટે મિલકત બજાર અને બેન્કિંગ વ્યવહારોને અસર કરતો એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે બેન્ક દ્વારા હરાજીમાં વેચાયેલી મિલકત માટે વેચાણ દસ્તાવેજ કે પ્રમાણપત્રની નોંધણી કરવામાં સરકારી સત્તાવાળાઓ કોઈ પણ બહાના હેઠળ રોક લગાવી શકશે નહીં.
શું હતો સમગ્ર વિવાદ? કેસની વિગતો મુજબ, ભાવનગરની મેસર્સ રાજ પિક્ચર હાઉસની મિલકત વર્ષ 2013માં બેન્ક ઓફ બરોડામાં ગીરવે મૂકવામાં આવી હતી. મૂળ માલિક લોન ભરપાઈ ન કરી શકતા બેન્કે SARFAESI એક્ટ હેઠળ મિલકતની હરાજી કરી હતી. અરજદારે આ હરાજીમાં મિલકત ખરીદી અને જ્યારે તે દસ્તાવેજની નોંધણી માટે સબ-રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ ઇનકાર કરી દીધો હતો. તેમનું કારણ એ હતું કે વર્ષ 2016માં વેટ વિભાગે આ મિલકત પર સરકારી બોજાના આધારે જપ્તીનો હુકમ કરેલો હતો.
હાઈકોર્ટનું અવલોકન અને હુકમ આ મામલે હાઈકોર્ટે સખત વલણ અપનાવતા સત્તાવાળાઓના ઇનકારના હુકમને રદબાતલ ઠરાવ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે, "એક વખત બેન્ક દ્વારા યોગ્ય કાયદાકીય પ્રક્રિયા કરીને વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે, ત્યારબાદ નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે." ભલે મિલકત પર સરકારી વિભાગનો બોજો બોલતો હોય, પણ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નોંધણી અટકાવવી તે ગેરકાયદેસર છે.
ખરીદનારાઓ માટે મોટી રાહત આ ચુકાદાને પગલે હવે બેન્ક હરાજી દ્વારા મિલકત ખરીદનારાઓ માટે મોટી રાહત સર્જાઈ છે. અગાઉ, સરકારી લેણાં કે ટેક્સ વિભાગના બોજાને કારણે હરાજીમાં ખરીદેલી મિલકતોના દસ્તાવેજો વર્ષો સુધી લટકી રહેતા હતા. હવે હાઈકોર્ટના આદેશ બાદ તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓએ આવી મિલકતોના વેચાણ દસ્તાવેજોની નોંધણી કરવી પડશે.