Loading Please Wait !!!
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ફેંસલો: NRI પતિને વીડિયો કોન્ફરન્સથી હાજરીની મળી મંજૂરી

  • ટેકનોલોજી ન્યાયમાં મદદરૂપ બને, અવરોધ નહીં; ફેમિલી કોર્ટના જક્કી વલણ સામે હાઈકોર્ટની લાલ આંખ.
  • ઓસ્ટ્રેલિયા રહેતા પતિને રૂબરૂ બોલાવવાનો આદેશ રદ, પરસ્પર સંમતિના કેસમાં વીડિયો કોન્ફરન્સને બહાલી.
  • પ્રક્રિયાગત કઠોરતા ન્યાયમાં અવરોધક ન બનવી જોઈએ; જસ્ટિસ જે.સી. દોશીએ ફેમિલી કોર્ટનો હુકમ ઉલટાવ્યો.

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ન્યાયની પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ અવરોધ નહીં પરંતુ મદદરૂપ બનવો જોઈએ. ફેમિલી કોર્ટ દ્વારા પરસ્પર સંમતિથી છૂટાછેડા માંગતા એક NRI પતિને રૂબરૂ હાજર રહેવા માટે કરાયેલા આગ્રહને હાઈકોર્ટે વધુ પડતો ટેકનિકલ ગણાવ્યો હતો. જસ્ટિસ જે.સી. દોશીએ આદેશ આપ્યો હતો કે વિદેશમાં રહેતા પક્ષકારોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહેવાની છૂટ આપવી જોઈએ જેથી તેઓ બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકે.

આ કેસની વિગત એવી છે કે એપ્રિલ 2024માં લગ્ન કરનાર એક દંપતી માત્ર 6 દિવસ જ સાથે રહ્યા હતા. ત્યારબાદ વૈવાહિક વિવાદોને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. પતિ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી હોવાથી તેણે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવા વિનંતી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે ફિઝિકલ હાજરીનો આગ્રહ રાખીને આ અરજી ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટના આ જક્કી વલણને દંપતીએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ફેમિલી કોર્ટની કડક ટીકા કરી હતી. કોર્ટે જણાવ્યું કે જ્યારે બંને પક્ષો સંમતિથી છૂટા પડવા માંગતા હોય ત્યારે બિનજરૂરી પ્રક્રિયાગત કઠોરતા બતાવવી તે વાસ્તવિક ન્યાયના માર્ગમાં અવરોધ છે. કોર્ટે નોંધ્યું કે ટેકનોલોજીના યુગમાં ડિજિટલ વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે પક્ષકારોને હજારો કિલોમીટર દૂરથી રૂબરૂ બોલાવવાનો આગ્રહ રાખવો તે યોગ્ય નથી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના અગાઉના નિર્દેશોને રદબાતલ ઠેરવ્યા હતા.

આદેશમાં જણાવાયું છે કે ફેમિલી કોર્ટ હવે NRI પતિની સંમતિ રેકોર્ડ કરવા માટે ચોક્કસ તારીખ અને સમય નક્કી કરશે. આ માટેની લિંક પતિના ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. જો પત્નીને પતિની ઓળખ બાબતે કોઈ શંકા હોય, તો પતિએ ભારત સરકાર દ્વારા માન્ય ઓળખપત્ર ઓનલાઇન બતાવવાનું રહેશે. વીડિયો કોન્ફરન્સ દરમિયાન પતિએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ રીતે દ્રશ્યમાન અને શ્રાવ્ય રહેવું ફરજિયાત રહેશે.

આ ચુકાદાથી હવે વિદેશમાં રહેતા હજારો ગુજરાતીઓને મોટી રાહત મળશે. વૈવાહિક તકરારના કેસોમાં હવે વર્ચ્યુઅલ હાજરીને કારણે છૂટાછેડાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. હાઈકોર્ટના આ અભિગમથી ન્યાયિક ક્ષેત્રમાં ડિજિટલ માધ્યમોના ઉપયોગને વધુ પ્રોત્સાહન મળવાની આશા છે, જે અંતે અરજદારોના સમય અને નાણાંની બચત કરશે.