"સરકારી વીજ મથકો ઠપ્પ અને ખાનગી કંપનીઓને જલસા? ગુજરાત સરકારે અદાણી પાસેથી ₹14,000 કરોડની વીજળી ખરીદી"
- વિધાનસભામાં સરકારનો ચોંકાવનારો સ્વીકાર - છેલ્લા બે વર્ષમાં 28,712 મિલિયન યુનિટ વીજળી ખાનગી રાહે લેવાઈ
- કરારોમાં છૂપી રીતે ફેરફાર કરી ખાનગી પ્લેયર્સને ફાયદો? - સરકારી પ્લાન્ટ કરતા ખાનગી મથકોની ક્ષમતા વધી.
- પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓ પાસેથી વીજ ખરીદી બમણી થઈ - વિધાનસભામાં ઉર્જા વિભાગના આંકડાથી ખળભળાટ.
ગુજરાત વીજળી ક્ષેત્રે સ્વાવલંબી હોવાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજ્ય સરકાર હવે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે સરકારી પ્લાન્ટ કરતા ખાનગી કંપનીઓ પર વધુ નિર્ભર બની છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કબૂલાત કરી છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર અદાણી જૂથ પાસેથી જ 14,000 કરોડ રૂપિયાથી વધુની વીજળી ખરીદવામાં આવી છે. આ આંકડાઓએ રાજ્યની વીજ નીતિ અને પ્રજા પર વધતા આર્થિક બોજ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ, અદાણી પાવર લિ. સાથેના કરાર હેઠળ વર્ષ 2024 અને 2025 માં કુલ 28,712 મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારે આ વીજળી સરેરાશ 4.73 રૂપિયાથી લઈને છેક 7.22 રૂપિયા પ્રતિ યુનિટના ઉંચા ભાવે ખરીદી છે. પાંચ વર્ષ પહેલાના આંકડા જોઈએ તો ખાનગી કંપનીઓ પાસેથી થતી ખરીદીમાં અધધ વધારો થયો છે. વર્ષ 2020-21 માં આ ખરીદી માત્ર 12,534 મિ.યુ. હતી, જે હવે ડબલથી પણ વધી ગઈ છે.
રાજ્યમાં સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઓછું કરીને ખાનગી કંપનીઓને લાભ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ પણ તેજ બન્યો છે. જાન્યુઆરી 2026 ની સ્થિતિએ સરકાર હસ્તકના મથકોની ક્ષમતા માત્ર 10,704 મેગાવોટ છે, જ્યારે ખાનગી અને PPP મોડલ હેઠળના મથકોની ક્ષમતા 16,749 મેગાવોટ પર પહોંચી ગઈ છે. વર્ષ 2025 માં જ સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ખાનગી કંપનીઓની ક્ષમતામાં મોટો વધારો થયો છે, જ્યારે સરકારી પ્લાન્ટ્સમાં ખાસ કોઈ નવો ઉમેરો દેખાયો નથી.
એક તરફ રાજ્યમાં વીજ વપરાશ દર વર્ષે સરેરાશ 1,250 મિલિયન યુનિટ વધી રહ્યો છે, ત્યારે સરકાર સરપ્લસ વીજળી હોવાનું કહીને પાવર એક્સચેન્જમાં ઉંચા ભાવે વીજળી વેચીને કમાણી કરી રહી છે. જોકે, વિપક્ષ અને નિષ્ણાતોનું માનવું છે કે વીજ ખરીદીના કરારોમાં ખાનગી રાહે કરાતા ફેરફારો અને મોંઘી ખરીદીનો આખરી બોજ સામાન્ય જનતા પર 'ફ્યુઅલ ચાર્જ' કે 'યુનિટ રેટ' વધારીને લાદવામાં આવે છે. સ્વાવલંબી હોવાના ઢોલ પીટવા છતાં ખાનગી કંપનીઓનો વધતો પ્રભાવ ગુજરાતના વીજ ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે.