રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અનોખી પહેલ: હવે ટ્રેન અને એસટીમાં કરશે મુસાફરી
- ઈંધણ સંકટ સામે લડવા હવાઈ મુસાફરીનો ત્યાગ; સુરક્ષા કાફલામાં પણ ગાડીઓ ઘટાડી
- સામાન્ય નાગરિકની જેમ જાહેર પરિવહનનો કરશે ઉપયોગ; રાજભવનથી આદેશ જાહેર
- મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે ઈંધણની કટોકટી વચ્ચે રાજ્યપાલ એક્શન મોડમાં
સિટી ન્યુઝ @ ગાંધીનગર
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં સર્જાયેલી ઇંધણની કટોકટીની ગંભીર અસરો ભારત પર પણ જોવા મળી રહી છે. આ વૈશ્વિક કટોકટીના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઇંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરેલી ભાવુક અપીલનો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદર્શ અમલ શરૂ કર્યો છે. રાજ્યપાલે દેશહિતમાં પોતાની વૈભવી હવાઈ મુસાફરી છોડીને સામાન્ય નાગરિકની જેમ પ્રવાસ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવન ખાતે ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠક યોજીને આ જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેઓ કોઈ પણ સરકારી કાર્યક્રમમાં જવા માટે સરકારી હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે. આગામી સમયમાં તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરવા માટે ભારતીય રેલવે અને ગુજરાત એસટી (ST) બસનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, પોતાની 'ઝેડ પ્લસ' (Z+) સુરક્ષા હેઠળ ચાલતા મોટા કારના કાફલાને પણ મર્યાદિત કરવા સૂચના આપી છે.
રાજ્યપાલે માત્ર પોતાના પદની ગરિમા અને સગવડો પૂરતો જ આ નિર્ણય મર્યાદિત નથી રાખ્યો, પરંતુ સમગ્ર શૈક્ષણિક અને વહીવટી તંત્ર માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને આદેશ અપાયા છે કે કેમ્પસમાં સાયકલ અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવામાં આવે. સરકારી કામકાજમાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને ઇંધણ બચાવવાના શક્ય તમામ પ્રયાસો કરવા રાજ્યપાલે વહીવટી તંત્રને આહ્વાન કર્યું છે.
રાજ્યપાલના આ ક્રાંતિકારી નિર્ણય બાદ હવે ગાંધીનગર સચિવાલયના ગલિયારાઓમાં પણ નવી ચર્ચા શરૂ થઈ છે. સામાન્ય જનતામાં એવો સૂર ઉઠ્યો છે કે જો રાજ્યપાલ જેવું ઉચ્ચ બંધારણીય પદ ધરાવતી વ્યક્તિ એસટી અને ટ્રેનમાં મુસાફરી કરી શકતી હોય, તો મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ પણ આ જ માર્ગ અપનાવીને પ્રજા સમક્ષ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે ઊર્જા સંકટ વધવાની ભીતિ છે, ત્યારે સત્તાધીશોએ હેલિકોપ્ટર અને પ્લેનનો મોહ છોડવો અત્યંત જરૂરી બન્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પ્રત્યેક નાગરિકને આ ઈંધણ બચત અભિયાનમાં જોડાવા નમ્ર વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમોમાં મોટા કારના કાફલાઓ અને ઈંધણના ધુમાડા પાછળ થતો લાખોનો ખર્ચ અટકાવીને તે નાણાં રાષ્ટ્રના વિકાસમાં વાપરી શકાય છે. રાજ્યપાલની આ પહેલથી લોકોમાં વડાપ્રધાનની અપીલ પ્રત્યે ગંભીરતા વધી છે અને આગામી દિવસોમાં અન્ય સરકારી વિભાગો પણ આવા બચતના પગલાં ભરે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.