ગુજરાતના 5 લાખ પેન્શનરો માટે દિવાળી જેવી ખુશી: ઘરે બેઠા મળશે નિઃશુલ્ક 'જીવન પ્રમાણપત્ર'
- હવે ટ્રેઝરી કે બેંકમાં જવાની માથાકૂટ ખતમ; પોસ્ટમેન ઘરે આવીને કરી આપશે હયાતીની ચકાસણી.
- ડિજિટલ જીવન પ્રમાણપત્ર માટે ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક ટેક્નોલોજીનો થશે ઉપયોગ.
- આધાર અને પીપીઓ નંબર આપતા જ ગણતરીની મિનિટોમાં જનરેટ થશે ડિજિટલ સર્ટિફિકેટ.
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) મુજબ, હવે રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા પ્રાપ્ત થશે. આ માટે પેન્શનરોએ હવે બેંક, ટ્રેઝરી કે અન્ય કોઈ કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. આ સેવા 1 મે થી 31 જુલાઈ, 2026 દરમિયાન પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા ઘરે-ઘરે જઈને પૂરી પાડવામાં આવશે.
કેવી રીતે કામ કરશે આ પ્રક્રિયા? પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા મુજબ, આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. આમાં ફેસ ઓથેન્ટિકેશન અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે. પેન્શનરે માત્ર પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ (PPO) નંબર પોસ્ટમેનને આપવાના રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને મોબાઈલ પર એસએમએસ દ્વારા 'પ્રમાણ આઈડી' પ્રાપ્ત થશે અને પ્રમાણપત્ર jeevanpramaan.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
અન્ય રાજ્યોમાં રહેતા પેન્શનરોને પણ લાભ ખાસ વાત એ છે કે, જે પેન્શનરો અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે પરંતુ ગુજરાત સરકારનું પેન્શન મેળવે છે, તેઓ પણ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને આ સુવિધાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, પેન્શનરો આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી (AePS) નો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના ખાતામાંથી પેન્શનની રકમ પણ ઉપાડી શકશે. ગત વર્ષે ગુજરાતના 93 હજારથી વધુ પેન્શનધારકોએ આ સેવાનો લાભ લીધો હતો, જે આ વર્ષે વધવાની શક્યતા છે.
નાણાં સચિવ સંદીપ કુમાર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર પર આસીસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંહ તથા નાણા વિભાગના નિદેશક અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલથી વરિષ્ઠ નાગરિકોને મુસાફરી અને સમયની મર્યાદા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તેમની નિવૃત્ત જિંદગી વધુ સરળ બનશે.