Loading Please Wait !!!
નકલી દવાઓ સામે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: અમદાવાદમાં ₹1.21 કરોડનો જથ્થો જપ્ત

  • નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારને છોડાશે નહીં; પ્રફુલ પાનસેરીયાની કડક ચેતવણી
  • પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઇન વેચાણ કરતા લેવાયા કડક પગલાં; રાજ્યભરમાં દરોડાનો દૌર.
  • ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની મોટી કાર્યવાહી.

સિટી ન્યુઝ @ અમદાવાદ : રાજ્યમાં નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓ તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે ગુજરાત સરકારે સખત કાર્યવાહી શરૂ કરી છે. ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રએ અમદાવાદ સહિત વડોદરા, સાવલી અને ભરૂચમાં સઘન દરોડા પાડ્યાં હતા. આ કાર્યવાહીમાં માત્ર અમદાવાદમાં જ અંદાજે ₹1.21 કરોડથી વધુના શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ચેતવણી આપી હતી કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.

અમદાવાદમાં પવન ફોર્મ્યુલેશન ખાતે દરોડા દરમિયાન કોડીન આધારિત સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેનો દુરુપયોગ થવાની શક્યતા હતી. અહીંથી અંદાજે ₹76.51 લાખની દવાઓ જપ્ત કરવામાં આવી છે. ગોમતીપુર વિસ્તારમાં ‘HABBE AUJA’ નામની આયુર્વેદિક દવામાં એલોપેથિક ‘ડાયક્લોફેનેક’ મળતા તેને બનાવટી જાહેર કરીને જપ્ત કરાઈ છે. અન્ય એક કંપની પાસેથી મંજૂરી વિના કામગીરી બદલ ₹4.60 લાખની દવાઓ અને મનહરનગર વિસ્તારમાંથી વગર પરવાને દવાનો સંગ્રહ કરનાર પાસેથી ₹40 લાખનો જથ્થો જપ્ત કરાયો છે.

વડોદરામાં Medicament Solutions Pvt. Ltd. દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર “Mounjaro KwikPen” ઇન્જેક્શનનું ઓનલાઇન ગેરકાયદે વેચાણ કરતા કંપનીનું લાયસન્સ કાયમી રદ કરવામાં આવ્યું છે. Amico Formulation LLP દ્વારા ઊંચા ડોઝની ટાપેનટાડોલ દવાઓના ઉત્પાદનને કારણે તેની ઉત્પાદન પરમિટ રદ કરાઈ છે, જ્યારે ભરૂચની Alphard Pharma ની એક્સપોર્ટ પરમિટ પણ રદ કરવામાં આવી છે. સાવલીમાં લેવામાં આવેલા નમૂનાઓમાંથી એક દવા ‘Not of Standard Quality’ જાહેર થતા પ્રોડક્ટ રીકોલના આદેશ અપાયા છે.

ખાદ્ય પદાર્થોમાં શુદ્ધતા લાવવા માટે 'ખોરાક શુદ્ધિ અભિયાન' અંતર્ગત એપ્રિલ મહિનામાં 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ₹1.83 લાખની કિંમતના 1,018 કિલો શંકાસ્પદ પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા 270 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે અને 18 એકમોને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા નિયમભંગ બદલ ₹2.84 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી શેરડીનો રસ, મેંગો જ્યુસ અને આઈસ ગોલા જેવા પદાર્થોની પણ સઘન તપાસ કરાઈ રહી છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 1,576 સ્થળોએ તપાસ કરી 1,705 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં કરે અને નકલી તેમજ નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે.