ગુજરાતના ખેડૂતો પર ‘ખાતર’ સંકટ: ઈઝરાયલ-ઈરાન યુદ્ધને પગલે DAP ની ભીષણ અછત, સ્ટોક જરૂરિયાત કરતા અડધો જ ઉપલબ્ધ
-
ખરીફ સિઝન 2026 માટે 39 મિલિયન ટનની માંગ સામે માત્ર 18 મિલિયન ટન જથ્થો; ખેતીને મોટા નુકસાનની ભીતિ
-
NPK માં ₹850 અને પોટાશમાં ₹550 નો ભાવવધારો; આત્મનિર્ભરતાના દાવા વચ્ચે હજુ પણ આયાત પર નિર્ભરતા યથાવત
-
ફોસ્ફેટિક અને પોટાશ ખાતરમાં આયાત પર 100 ટકા નિર્ભરતા; શું સરકાર ખેડૂતોને રાહત અપાવશે?
ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રના પાયા હચમચાવી દીધા છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના પુરવઠામાં મોટાપાયે કાપ મુકાતા ગુજરાતમાં ડીએપી (DAP) ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. વર્ષ ૨૦૨૬ ની ખરીફ સિઝન માટે રાજ્યમાં ૩૯ મિલિયન ટન ખાતરની જરૂરિયાત છે, જેની સામે અત્યારે માત્ર ૧૮ મિલિયન ટન જ સ્ટોક ઉપલબ્ધ છે, જે ખેડૂતો માટે ખતરાની ઘંટડી સમાન છે.
ભાવમાં તોતિંગ વધારો અને સબસિડીમાં ઘટાડો છેલ્લા ૧૦ મહિનાના આંકડા મુજબ, ખાતરના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. એન.પી.કે. (NPK) માં ₹૮૫૦, પોટાશમાં ₹૫૫૦ અને ડી.એ.પી. માં ₹૧૫૦ નો ભાવ વધારો ઝીંકાયો છે. કેન્દ્ર સરકારે સબસિડીના દરો ફિક્સ કરી દેતા વધારાનો બોજ ખેડૂતોના માથે આવ્યો છે. આત્મનિર્ભર ભારતના નારા વચ્ચે ભારત હજુ પણ ૩૦ થી ૩૫ ટકા ખાતરની આયાત માટે વિદેશી બજારો પર નિર્ભર છે, જે યુદ્ધ જેવી સ્થિતિમાં સૌથી મોટો અવરોધ બની રહ્યો છે.
રાજકીય આક્ષેપો અને વાસ્તવિકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું છે કે, ખેડૂતોનો ઇનપુટ ખર્ચ સતત વધી રહ્યો છે અને પાક ઉત્પાદન ઘટવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સરકારના પર્યાપ્ત સ્ટોકના દાવાઓ ગ્રાઉન્ડ લેવલ પર પોકળ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ખરીફ અને રવિ બંને સિઝનમાં ખેડૂતોને સમયસર DAP અને યુરિયા નથી મળી રહ્યું, જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.
આયાત પર નિર્ભરતાનો પડકાર ભારતમાં કુલ એનપીકે ખાતરની માંગના માત્ર ૬૫-૭૦ ટકા જ ઘરેલુ ઉત્પાદન થાય છે. ફોસ્ફેટિક ખાતરમાં ૩૦-૪૦ ટકા અને પોટાશમાં તો ૧૦૦ ટકા આયાત પર જ આધાર રાખવો પડે છે. જો આંતરરાષ્ટ્રીય ભાવ આ જ રીતે વધતા રહેશે અને પુરવઠો ખોરવાયેલો રહેશે, તો આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બનશે અને તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ પડશે.
ખાતરનો પ્રકાર ભાવ વધારો (અંદાજિત) N.P.K. ₹૮૫૦ પોટાશ ₹૫૫૦ એમોનિયમ સલ્ફેટ ₹૩૦૦ D.A.P. ₹૧૫૦