"ગુજરાત અર્થતંત્રમાં 'સુપર ફાસ્ટ' તેજી: માથાદીઠ આવકમાં 9.10% નો જબરદસ્ત વધારો, વિકાસ દરમાં કેન્દ્રને પણ પાછળ છોડ્યું"
- વર્ષ 2024-25 ના ઓડિટ અહેવાલમાં મોટો ખુલાસો - 10.15% ના GSDP સાથે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું
- રૂ. 18,942 કરોડની મહેસૂલી પુરાંત સાથે નાણાકીય શિસ્ત જાળવી - ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સરકારે ખોલ્યું તિજોરીનું તાળું
- કેન્દ્રના 9.78% GDP સામે ગુજરાતનો 10.15% વિકાસ દર - જાણો રાજ્યની નાણાકીય સ્થિતિના લેખાંજોખાં
ગુજરાત સરકારે વર્ષ 2024-25 ના તાજેતરના ઓડિટ અહેવાલમાં પોતાની આર્થિક શક્તિનું પ્રદર્શન કર્યું છે. રાજ્યની સમૃદ્ધિમાં વધારો કરતા આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતની માથાદીઠ આવકમાં એક જ વર્ષમાં 9.10% નો વધારો થયો છે. આ વૃદ્ધિ રાજ્યના દરેક નાગરિકની આર્થિક સ્થિતિમાં થયેલા સુધારા તરફ ઈશારો કરે છે.
કેન્દ્રના સરેરાશ દરને પછાડ્યું નાણાકીય વર્ષ 2024-25 માં ગુજરાતનો એકંદર ઘરેલું ઉત્પાદન (GSDP) વૃદ્ધિ દર 10.15% નોંધાયો છે. આ આંકડો રાષ્ટ્રીય સરેરાશ GDP (9.78%) કરતા ઘણો વધારે છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં આ દરમાં 14.07% થી લઈને વર્તમાન સ્તર સુધી વધઘટ જોવા મળી છે, પરંતુ તેમ છતાં ગુજરાત દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે.
મજબૂત નાણાકીય વ્યવસ્થાપન રાજ્ય સરકારે ખર્ચ વધારવાની સાથે નાણાકીય શિસ્તનું પણ પાલન કર્યું છે. રાજ્યની રાજકોષીય ખાધ માત્ર 1.81% છે, જે નિયત મર્યાદાની અંદર છે. ગત વર્ષે કુલ ખર્ચ રૂ. 2.47 લાખ કરોડ હતો, જે વધીને રૂ. 2.68 લાખ કરોડ થયો છે. આ વધારા છતાં સરકારે રૂ. 18,942 કરોડની મહેસૂલી પુરાંત મેળવીને સાબિત કર્યું છે કે આવકના સ્ત્રોત પણ મજબૂત બન્યા છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર વિકાસના કામો માટેના મૂડી ખર્ચમાં 17.51% નો વધારો એ દર્શાવે છે કે સરકાર લાંબા ગાળાની અસ્કયામતોના નિર્માણ પર ધ્યાન આપી રહી છે. કુલ ખર્ચના લગભગ 24.36% (રૂ. 65,428 કરોડ) મૂડી ખાતામાં ખર્ચાયા છે. આ ઉપરાંત, વ્યાજ ખર્ચને પણ આવકના 12.82% સુધી મર્યાદિત રાખવામાં સફળતા મળી છે, જે લાંબા ગાળે દેવાની ચિંતા ઓછી કરે છે.