"ગુજરાતને કેન્દ્રના ફંડમાં મોટો ફટકો: 4 વર્ષમાં 13,000 કરોડનું અનુદાન ઘટ્યું, CAG રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો"
- GSDP સામે ગ્રાન્ટ 1.68% થી ઘટીને માત્ર 0.53% રહી - રાજ્ય સરકારની દેવા પરની નિર્ભરતા વધી
- પીએમ આવાસ યોજનામાં ઉછાળો, પણ આરોગ્ય અને પોષણ યોજનાના બજેટમાં ધરખમ કાપ
- 2020 માં 27,178 કરોડ મળતા હતા, જે 2024-25 માં ઘટીને માત્ર 14,127 કરોડ થયા
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેગ (CAG) ના રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિને લઈને ચિંતાજનક વિગતો સામે આવી છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળતા સહાયક અનુદાનમાં ₹13,000 કરોડથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે રાજ્ય સરકારે હવે પોતાની આવક વધારવા અથવા બજારમાંથી વધુ ઋણ લેવા તરફ વળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
GSDP સામે ગ્રાન્ટમાં મોટો ઘટાડો કેગના એનાલિસિસ મુજબ, 2020-21માં ગુજરાતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GSDP) સામે ભારત સરકાર તરફથી મળતું અનુદાન 1.68 ટકા હતું, જે 2024-25માં ઘટીને માત્ર 0.53 ટકા રહી ગયું છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં જ પાછલા વર્ષની તુલનાએ લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યના વિકાસ દરમાં કેન્દ્રની ભાગીદારી સતત ઘટી રહી છે.
હવાની ગુણવત્તા બગડતા દંડ ફટકારાયો રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે ગુજરાતના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં હવાની ગુણવત્તા (Air Quality) બગડવાને કારણે કેન્દ્ર સરકારે ગ્રાન્ટમાં કાપ મૂક્યો છે. નિર્ધારિત માપદંડો અને 'બેન્ચમાર્ક સિદ્ધિઓ' હાંસલ ન કરી શકવાને કારણે ગુજરાતને મળવાપાત્ર રકમ કરતા ₹59 કરોડ ઓછા ફાળવવામાં આવ્યા છે. પ્રદૂષણ નિયંત્રણમાં નિષ્ફળતા હવે રાજ્યની તિજોરીને સીધી રીતે નુકસાન કરી રહી છે.
યોજનાઓમાં ફાળવણીનું અસંતુલન કેગના અહેવાલ મુજબ વિવિધ સરકારી યોજનાઓમાં ફંડની ફાળવણીમાં ભારે વધ-ઘટ જોવા મળી છે.
-
પોઝિટિવ પાસું: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં 132.90 ટકા અને શહેરી કાયાકલ્પ મિશનમાં 176.41 ટકાનો તોતિંગ વધારો થયો છે.
-
નેગેટિવ પાસું: બીજી તરફ, સક્ષમ આંગણવાડી અને પોષણ યોજના જેવી પાયાની જરૂરિયાત ધરાવતી યોજનામાં 46.63 ટકાનો મોટો ઘટાડો થયો છે. તેમજ આરોગ્ય મિશનના ફંડમાં પણ 9.47 ટકાનો કાપ મુકાયો છે.
દેવા હેઠળ દબાતું ગુજરાત કેન્દ્ર તરફથી મળતી ગ્રાન્ટ ઘટતા અને રાજ્યના ખર્ચ વધતા હવે ગુજરાત સરકારની નિર્ભરતા ઋણ (Loans) પર વધી છે. 15માં નાણા પંચની ભલામણો છતાં રાજ્યને મળવાપાત્ર ફંડમાં અપેક્ષા મુજબનો વધારો થયો નથી. આ પરિસ્થિતિમાં આગામી સમયમાં રાજ્ય સરકાર નવા કરવેરા ઝીંકે અથવા દેવું વધારીને પ્રોજેક્ટ્સ પૂરા કરે તેવી શક્યતા વિશ્લેષકો જોઈ રહ્યા છે.