"ગુજરાતના ઉંદર ડ્રગ્સના બંધાણી? 12 વર્ષમાં પકડાયેલું 35% ડ્રગ્સ ગાયબ, પોલીસનો વિચિત્ર દાવો"
- CAG રિપોર્ટમાં મોટો ધડાકો: 2,332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા કે ચોરી થયું? પોલીસના ખુલાસાથી કેગ પણ ચોંકી ઉઠી
- 6,510 કિલો જપ્ત થયેલા જથ્થામાંથી માત્ર 4,177 કિલોનો જ નિકાલ થયો - કરોડોના ડ્રગ્સના હિસાબમાં મોટો લોચો
- વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં પોલીસ તંત્રની બેદરકારી ખુલ્લી પડી - અધિકારીઓની દાનત પર ઉઠ્યા સવાલો
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલ (CAG)ના રિપોર્ટમાં રાજ્ય પોલીસની કામગીરી અને જપ્ત કરેલા મુદામાલની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થો ઉભા થયા છે. રિપોર્ટ મુજબ, છેલ્લા 12 વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ જે ડ્રગ્સ પકડ્યું હતું, તેમાંથી અંદાજે 35% એટલે કે 2,332.68 કિલો ડ્રગ્સનો કોઈ પતો નથી. આ આશ્ચર્યજનક ઘટ બદલ જ્યારે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ જે કારણો આપ્યા તે સાંભળીને કેગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. પોલીસનો દાવો છે કે આ ડ્રગ્સ કાં તો ચોરાઈ ગયું છે અથવા તો ઉંદરો ખાઈ ગયા છે.
કેગના અહેવાલ પ્રમાણે, એડીજીપી સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરના રેકોર્ડ મુજબ ઓગસ્ટ 2010 થી નવેમ્બર 2022 સુધીમાં કુલ 6,510.54 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે, જ્યારે આ જથ્થાના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે માત્ર 4,177.86 કિલો જથ્થો જ રેકોર્ડ પર જોવા મળ્યો હતો. આમ, જપ્ત કરાયેલા જથ્થા અને નિકાલ કરાયેલા જથ્થા વચ્ચે 2,332 કિલોથી વધુનો મોટો તફાવત જોવા મળ્યો છે. કરોડોની કિંમતના આ નશીલા પદાર્થો ક્યાં ગયા તે મોટો તપાસનો વિષય બન્યો છે.
આ ગંભીર તફાવત અંગે એડીજીપી સીઆઇડી ક્રાઇમે ગૃહ વિભાગને જણાવ્યું હતું કે, લગભગ 144.180 કિલો ગાંજો ચોરી થઈ ગયો હતો, જ્યારે બાકીનો જથ્થો ઉંદરો ખાઈ ગયા હોવાની શક્યતા છે. વધુમાં એવું પણ કારણ આપવામાં આવ્યું કે ગાંજો અને અફીણ લાંબો સમય સુધી માલખાનામાં પડ્યા રહેવાને કારણે તેમાં રહેલો ભેજ સુકાઈ ગયો હતો, જેનાથી વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, કેગે આ ખુલાસાને ફગાવી દેતા નોંધ્યું છે કે, સામાન્ય સંજોગોમાં આંશિક ઘટ આવી શકે પરંતુ 35 ટકા જેટલો મોટો તફાવત ક્યારેય સ્વીકારી શકાય નહીં.
વિધાનસભામાં રજૂ થયેલા આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ગુજરાતના માથે હાલમાં 3.80 લાખ કરોડનું તોતિંગ દેવું છે. એક તરફ સરકાર ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ'ની નીતિની વાતો કરે છે અને બીજી તરફ પકડાયેલું ડ્રગ્સ પોલીસના જ રક્ષણ હેઠળથી ગાયબ થઈ જાય તે ઘટના સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલે છે. કેગે સ્પષ્ટપણે પોલીસ અધિકારીઓની દાનત અને મુદામાલની સાચવણીની પદ્ધતિ પર શંકા વ્યક્ત કરી પુનર્વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ રિપોર્ટ બાદ વિપક્ષે પણ સરકારને આડેહાથ લીધી છે. ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઉંદરો ખાઈ ગયા હોવાની વાત હસવા જેવી લાગે છે પરંતુ તેની પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. શું ખરેખર ગુજરાતના ઉંદરો નશાના બંધાણી થઈ ગયા છે કે પછી પોલીસ અને ડ્રગ માફિયાઓની મિલીભગતથી આ માલ ફરી બજારમાં વેચાઈ ગયો છે? તેવા અણીયારા સવાલો હવે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારાઓમાં પૂછાઈ રહ્યા છે.