"ગુજરાતના વિકાસને બ્રેક? ₹18,000 કરોડ ખર્ચાયા છતાં 200 પ્રોજેક્ટ્સ અધૂરા, CAG રિપોર્ટમાં મોટો ધડાકો"
- 31 માર્ચ 2025ની ડેડલાઈન વીતી ગઈ છતાં કામો બાકી - માર્ગ અને મકાન વિભાગની સૌથી નબળી કામગીરી
- ₹22,816 કરોડના આયોજન સામે ₹18,144 કરોડ વપરાઈ ગયા, પણ સુવિધા હજુ કાગળ પર - કેગની લાલ આંખ
- સમયસર કામ પૂરા ન થતા નાગરિકો સુવિધાથી વંચિત - સરકારી તિજોરી પર વ્યાજ અને ખર્ચનો બેવડો બોજ
ગુજરાત સરકારની નાણાકીય શિસ્ત અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પર ભારત સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વર્ષ 2024-25 ના ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, રાજ્ય સરકારની 10 કરોડ કે તેથી વધુ બજેટ ધરાવતી 200 જેટલી મહત્ત્વની યોજનાઓ 31 માર્ચ 2025 ની સમયમર્યાદા વીતી ગયા હોવા છતાં પૂર્ણ થઈ શકી નથી. આ વિલંબને કારણે રાજ્યના આર્થિક હિતો પર માઠી અસર પડી રહી છે.
નાણાં ખર્ચાયા પણ નતીજો શૂન્ય કેગના અહેવાલ મુજબ, આ 200 પ્રોજેક્ટ્સ માટે કુલ ₹22,816.48 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, સરકારે અત્યાર સુધીમાં ₹18,144.66 કરોડ એટલે કે બજેટના 80 ટકા જેટલી રકમ ચૂકવી દીધી છે, તેમ છતાં આ કામો હજુ 'અંડર પ્રોસેસ' છે. કેગના મતે, જ્યારે આટલી મોટી રકમ અધૂરા પ્રોજેક્ટ્સમાં રોકાયેલી રહે છે, ત્યારે તે નાણાકીય રોકાણ પર નકારાત્મક અસર કરે છે અને ખર્ચની ગુણવત્તા જોખમાય છે.
માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સૌથી વધુ વિલંબ માર્ગ અને મકાન વિભાગના કામોમાં જોવા મળ્યો છે. આ વિભાગના 166 જેટલા મોટા પ્રોજેક્ટ્સ હજુ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. આ કામો માટે અંદાજે ₹7,978.85 કરોડનો ખર્ચ નિર્ધારિત હતો, જેમાંથી ₹5,740.44 કરોડ વપરાઈ ગયા છે, છતાં રસ્તાઓ કે મકાનો તૈયાર થયા નથી. આ વિલંબ સીધી રીતે નાગરિકોની સુવિધા અને પરિવહન વ્યવસ્થાને અસર કરી રહ્યો છે.
CAG ની ચેતવણી: જનતાના લાભો છીનવાયા કેગ એ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ નોંધ્યું છે કે, "યોજનાઓ સમયસર પૂર્ણ ન થવાથી જનતાને મળનારા લાભો મોડા મળે છે અથવા તેઓ તેનાથી વંચિત રહી જાય છે." પ્રોજેક્ટ્સ લંબાવવાને કારણે મટીરિયલ અને લેબર કોસ્ટમાં પણ વધારો થાય છે, જે અંતે તો સરકારી તિજોરી અને જનતાના ટેક્સના પૈસા પર જ બોજ વધારે છે. વિકાસની ગતિ ધીમી પડવી એ રાજ્યના આર્થિક ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.
આ રિપોર્ટ બાદ હવે વિપક્ષો પણ સરકારને ભીંસમાં લઈ રહ્યા છે. સવાલ એ ઉઠે છે કે શું આ વિલંબ પાછળ કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે કે પછી વહીવટી તંત્રની ઢીલી નીતિ? કેગના આ રિપોર્ટ બાદ રાજ્ય સરકાર હવે કડક પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું.