Loading Please Wait !!!
ડ્રગ્સ માફિયાઓ સાવધાન! ગુજરાત પોલીસનું 'NARIT AI' શસ્ત્ર તૈયાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું

  • NDPS કેસમાં આરોપીઓ હવે કાયદાની પકડમાંથી છૂટી નહીં શકે – તપાસમાં એઆઈ કરશે માર્ગદર્શન
  • FIR અપલોડ થતા જ થશે કેસનું પોસ્ટમોર્ટમ – સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ડેટાબેઝ આંગળીના ટેરવે
  • પશ્ચિમ રેલવે પોલીસ અને મુંબઈના સ્ટાર્ટઅપનું સંયુક્ત સાહસ – ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરાવી શરૂઆત

ગુજરાત સરકારે નશાના કાળા કારોબારને ડામવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો આશરો લીધો છે. રાજ્ય પોલીસ દ્વારા દેશમાં સૌપ્રથમવાર 'NARIT AI' (નર્કોટિક્સ એનાલિસિસ એન્ડ રેગ-બેઝ્ડ ઇન્વેસ્ટિગેશન ટૂલ) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવીન પ્રયોગ દ્વારા ડ્રગ્સ માફિયાઓ પર કાનૂની રીતે શિકંજો કસવા માટે ગુજરાત પોલીસ વધુ મજબૂત બની છે. અવારનવાર જટિલ NDPS કેસોમાં તપાસની નાની ખામીઓને કારણે ડ્રગ્સ પેડલરો છૂટી જતા હોય છે, પરંતુ હવે 'NARIT AI' ના આગમનથી તપાસ અધિકારીઓને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહેશે.

આ ટૂલની કાર્યક્ષમતાની વાત કરીએ તો, તે માત્ર એક સર્ચ એન્જિન નથી પણ એક કાનૂની સલાહકાર જેવું કામ કરશે. તપાસ અધિકારી જેવી FIR અપલોડ કરશે, કે તરત જ સિસ્ટમ આખા કેસનું ઊંડું વિશ્લેષણ કરી તેમાં કઈ નબળાઈઓ છે અને કયા પુરાવાઓની જરૂર છે તેની વિગતવાર રિપોર્ટ તૈયાર કરી આપશે. આ ટૂલ પાસે સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના હજારો ચુકાદાઓ તેમજ નવા કાયદાઓ BNS અને BNSS નો સચોટ ડેટાબેઝ છે, જે તપાસને વધુ ધારદાર બનાવશે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પાછળ પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ અને મુંબઈના એક AI સ્ટાર્ટઅપનું કૌશલ્ય રહેલું છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવ અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ સિસ્ટમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વડોદરા રેલવે SP અભય સોનીએ આ ટેક્નોલોજી વિકસાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. આ ટૂલ ઓપન ઇન્ટરનેટ પર આધારિત ન હોવાથી તેમાં ભૂલો થવાની શક્યતા પણ નહિવત છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ગર્વ સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસ હવે ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે હાઈટેક બની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ટેક્નોલોજીના ઉપયોગથી હવે તપાસની ચોકસાઈ વધશે અને અદાલતમાં આરોપીઓને સજા અપાવવામાં પોલીસને મોટી સફળતા મળશે. ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિયાનમાં આ એઆઈ ટૂલ એક 'ગેમ ચેન્જર' સાબિત થશે.

રાજકોટના નાગરિકો અને કાયદાના જાણકારો પણ પોલીસની આ પહેલને વધાવી રહ્યા છે. આધુનિક યુગમાં જ્યારે ગુનેગારો ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે, ત્યારે પોલીસનું એક ડગલું આગળ વધવું ખૂબ જ જરૂરી હતું. 'NARIT AI' ના માધ્યમથી હવે નાનામાં નાની ડ્રગ્સની હેરાફેરીથી લઈને મોટા સિન્ડિકેટ સુધીના કેસોમાં પોલીસ મજબૂત પુરાવા સાથે કોર્ટમાં કેસ રજૂ કરી શકશે, જેનાથી ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.