ગુજરાત ATSનો મોટો સપાટો: નેતાઓ અને RSS ના કાર્યકરો પર હુમલાનું કાવતરું નિષ્ફળ, બે શખ્સોની ધરપકડ
-
સિદ્ધપુર અને મુંબઈથી આતંકી માનસિકતા ધરાવતા યુવકો ઝડપાયા; ‘ગઝવા-એ-હિંદ’ ના નામે દેશ સામે યુદ્ધ છેડવાનું હતું પ્લાનિંગ
-
પાકિસ્તાન અને ISIS ના વીડિયો વાયરલ કરી યુવાનોને ગુમરાહ કરવાનું ષડયંત્ર; ATS એ મોબાઈલમાંથી કબજે કર્યું વિવાદાસ્પદ સાહિત્ય
-
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો યુવક નીકળ્યો આતંકી રસ્તે; ચોક્કસ લોકેશનની રેકી કરી હોવાની આશંકાએ તપાસ તેજ
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ રાજ્યમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા બે શખ્સોની ધરપકડ કરીને સુરક્ષાના મોરચે મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ દેશમાં ‘ગઝવા-એ-હિંદ’ ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે ચોક્કસ નેતાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સભ્યો પર હુમલો કરવાની તૈયારીમાં હતા.
વોટ્સએપ ગ્રુપ દ્વારા નેટવર્કિંગ તપાસમાં બહાર આવ્યું છે કે સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ ૧૨ થી ૧૩ જેટલા વોટ્સએપ ગ્રુપ ચલાવી રહ્યા હતા. આ ગ્રુપમાં તેઓ પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનો અને સિરિયાના આતંકી સંગઠન ISIS ના ઉશ્કેરણીજનક વીડિયો અને મેસેજ વાયરલ કરતા હતા. ઇરફાન પઠાણ, જે MSC નો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, તે ડિજિટલ પ્લેટફોર્મ પર યુવાનોને ગુમરાહ કરી આતંકી માનસિકતા તરફ વાળવાનું કામ કરતો હતો.
રેકી અને ફંડિંગની તપાસ ATS ની ટીમે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી વિવાદાસ્પદ સાહિત્ય કબજે કર્યું છે. આ આરોપીઓ માત્ર વિચારો જ નહીં, પરંતુ દેશ સામે યુદ્ધ છેડવા માટે હથિયારો અને ફંડિંગ મેળવવા માટે પણ સક્રિય હતા. તેમણે કોઈ મહત્વના લોકેશનની રેકી કરી હતી કે કેમ તે દિશામાં અત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા અન્ય સભ્યોની પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે, જેથી આ આખા નેટવર્કને તોડી શકાય.
સોશિયલ મીડિયા પર કડક વોચ આ ઘટના બાદ રાજ્યની તમામ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ફેસબુક, એક્સ (X) અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સ પર કટ્ટરપંથી વિચારો ફેલાવનારા એકાઉન્ટ્સ પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ATS ના જણાવ્યા અનુસાર, આરોપીઓની પૂછપરછમાં હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે. દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડવાના મનસૂબા સાથે કાર્યરત આ આતંકી મોડ્યુલના પર્દાફાશથી મોટી હોનારત ટળી છે.