વટવૃક્ષના આકારમાં આકાર લઈ રહ્યું છે વડોદરાનું અત્યાધુનિક બુલેટ ટ્રેન સ્ટેશન!
-
પંડ્યા બ્રિજ નજીક અંદાજે ૧૬,૪૬૭ ચોરસ મીટર વિસ્તારમાં થઈ રહ્યું છે નિર્માણ.
-
સ્ટેશનની ડિઝાઈન વડોદરાના પ્રખ્યાત વડલા (બનિયન ટ્રી) થી પ્રેરિત છે.
-
પ્લેટફોર્મના ઈન્ટિરિયરમાં શહેરનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો દર્શાવાશે.
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા, વડોદરામાં વટવૃક્ષ (બનિયન ટ્રી) ના આકારમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરની શાન વધારવા માટે તૈયાર થઈ રહ્યું છે. ૧.૭૭ લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ અત્યાધુનિક સ્ટેશનમાં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક હશે. આ સ્ટેશન પર મુસાફરો માટે બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર અને વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ એરપોર્ટ જેવી ફીલ કરાવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સ્ટેશનનો વીડિયો શેર કરીને કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાની માહિતી આપી છે.
વડોદરામાં પંડ્યા બ્રિજ નજીક ૧૬,૪૬૭ ચોરસ મીટર વિસ્તારમાં બની રહેલા આ એચએસઆર (HSR) સ્ટેશનની ડિઝાઈન શહેરમાં જોવા મળતા વડલાઓથી પ્રેરિત છે. ત્રણ માળના આ સ્ટેશનની ઊંચાઈ ૩૪.૫ મીટર હશે અને તેના પ્લેટફોર્મ પર શહેરનો ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસો દર્શાવાશે. ભારે ભીડ નિયંત્રિત કરવા માટે પદયાત્રી પ્લાઝા તેમજ કાર, બસ અને થ્રી-વ્હીલર્સ માટે અલગ-અલગ પાર્કિંગ પ્લોટ અને પિક-એન્ડ-ડ્રોપ ઝોન બનાવવામાં આવ્યા છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના આ સમગ્ર પ્રોજેક્ટમાં કુલ ૧૨ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે, અને બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ ૩૨૦ કિમી પ્રતિ કલાક રહેશે, જેનાથી આ અંતર માત્ર ૨ કલાક ૧૫ મિનિટમાં જ કપાશે.