Loading Please Wait !!!
મેળામાં માતાજીના દર્શન કરવા ગયેલી યુવતીને 'માતા' પડી: લાઈનમાં ઉભેલી યુવતીના ગળામાંથી 1.70 લાખની સોનાની ચેઈન તફડાવી!

  • કલોલના કાંઠામાં મહિલા ગેંગ સક્રિય – પાટણની મહિલાને પરિવારે રંગેહાથ પકડી પાલી, સાથીદાર ચેઈન લઈને ફરાર
  • બિસ્કિટ આકારની દોઢ તોલાની સોનાની ચેઈન ગાયબ – કલોલ તાલુકા પોલીસે પાટણની કંચનબેન ઠાકોર સામે ગુનો નોંધ્યો
  • અસારવાની યુવતીની સતર્કતાથી એક મહિલા ઝડપાઈ – ચોરેલી ચેઈન બીજી મહિલાને પાસ કરી હોવાનો ખુલાસો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કાંઠા ગામે આયોજિત હડકમાઈ માતાના મેળામાં ભીડનો લાભ ઉઠાવી ભક્તોને નિશાન બનાવતી મહિલા ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. 12 એપ્રિલના રોજ મેળામાં દર્શન માટે આવેલી અમદાવાદની એક યુવતીના ગળામાંથી ₹1.70 લાખની કિંમતની દોઢ તોલાની સોનાની ચેઈન તફડાવી લેવામાં આવી હતી. જોકે, યુવતીની સમયસૂચકતાને કારણે ગેંગની એક મહિલા સભ્યને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કરી છે.

અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા પાયલબેન પટણીના પરિવાર સાથે આ ઘટના બની હતી. પાયલબેન તેમની બહેન તનીશા અને પરિવાર સાથે સાંજે 5:30 વાગ્યાના સુમારે મંદિરના દરવાજે લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન ભીડનો ગેરલાભ ઉઠાવી કોઈએ તનીશાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લીધી હતી. તનીશાએ તુરંત પાછળ જોતા બે મહિલાઓ ભાગતી દેખાઈ હતી, જેમાંથી એકને પરિવારે પકડી પાડી હતી. પકડાયેલી મહિલાને મંદિર ટ્રસ્ટની ઓફિસમાં લઈ જઈ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેની પાસેથી ચેઈન મળી આવી નહોતી.

પોલીસ ફરિયાદ મુજબ, પકડાયેલી મહિલા કંચનબેન ઠાકોરે ચોરેલી ચેઈન પોતાની સાથેની અન્ય અજાણી સાગરીત મહિલાને પાસ કરી દીધી હતી, જે ચેઈન લઈને પલાયન થઈ ગઈ હતી. આરોપી કંચનબેન પાટણ જિલ્લાના રાધનપુરની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી સોનાની ચેઈન રિકવર કરવા અને તેની અન્ય સાગરીત મહિલાની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટમાં પણ મેળાઓ દરમિયાન આવી ગેંગો સક્રિય રહેતી હોય છે ત્યારે ગાંધીનગરની આ ઘટના શ્રદ્ધાળુઓ માટે લાલબત્તી સમાન છે. કલોલ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ગેંગના અન્ય સભ્યોના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. ભક્તોને અપીલ કરવામાં આવી છે કે ગીચ ભીડવાળા વિસ્તારોમાં કિંમતી ઘરેણાં પહેરવાનું ટાળે અથવા ખાસ સાવચેતી રાખે.