ગાંધીનગર બનશે દેશનું પ્રથમ ‘ઝીરો કમ્પ્લેઇન સિટી’: હવે AI શોધશે ખાડા અને લીકેજ
- નાગરિકો ફરિયાદ કરે તે પહેલા જ સમસ્યાનું નિરાકરણ; તંત્ર અપનાવશે પ્રો-એક્ટિવ મોડલ
- કામચોર અધિકારીઓ પર AIની નજર: ટાઈમ લિમિટમાં કામ પૂર્ણ કરી રિપોર્ટ અપલોડ કરવો પડશે
- માણસ ભૂલશે પણ મશીન નહીં! ગાંધીનગર મનપાનો ક્રાંતિકારી ‘સ્માર્ટ ડિટેક્ટર’ પ્રોજેક્ટ
સિટી ન્યુઝ @ ગાંધીનગર : ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યાર સુધી પોતાની હરિયાળી અને સુઆયોજિત સેક્ટરો માટે વિશ્વભરમાં જાણીતું હતું, પરંતુ હવે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ દ્વારા વહીવટી તંત્રમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ રાજ્યનો પ્રથમ 'સ્માર્ટ ડિટેક્ટર વ્હીકલ' પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો ફરિયાદ કરે તે પહેલાં જ તંત્ર સમસ્યા શોધીને તેનું નિવારણ લાવે તે પ્રકારનું પ્રો-એક્ટિવ મોડલ ઊભું કરવાનો છે, જેથી ગાંધીનગરને દેશનું પ્રથમ ‘ઝીરો કમ્પ્લેઇન સિટી’ બનાવી શકાય.
આ પ્રોજેક્ટ હેઠળ તહેનાત કરવામાં આવનાર વાહન અત્યાધુનિક કોમ્પ્યુટર વિઝન અને ડીપ લર્નિંગ અલ્ગોરિધમથી સજ્જ હશે. વાહનની છત પર હાઈરિઝોલ્યુશન ધરાવતા 360 ડિગ્રી કેમેરા અને સેન્સર્સ લગાવવામાં આવશે. આ સ્માર્ટ વાહન શહેરના માર્ગો પર નિર્ધારિત ગતિએ ફરશે અને રસ્તા પરના નાનામાં નાના ખાડા, તિરાડો કે ઘસાઈ ગયેલા રોડ માર્કિંગ્સનું રીઅલ ટાઈમ મેપિંગ કરશે. આ ઉપરાંત, હાઈડ્રો લોજીકલ લીકેજ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા ગટરના ઉભરાતા પાણી કે પીવાના પાણીની લાઈનમાં થતા લીકેજને સેન્સર દ્વારા ત્વરિત ઓળખી કાઢશે.
ટેકનોલોજીની ખાસિયત એ છે કે તે માણસની નજરથી બચી જતી ભૂલોને પણ પકડી પાડશે. ઓબ્જેક્ટ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા રસ્તા પર પડેલો કચરો, તૂટેલી સ્ટ્રીટ લાઈટ કે ફૂટપાથ પર થયેલા ગેરકાયદે દબાણોને ઈમેજ પ્રોસેસિંગ દ્વારા તુરંત ટ્રેક કરી લેશે. આ પ્રક્રિયામાં માનવીય દખલગીરી નહિવત રાખવામાં આવી છે. અત્યાર સુધી સિસ્ટમ એવી હતી કે નાગરિકો એપ પર ફોટો પાડીને મોકલે ત્યારે તંત્ર જાગતું હતું, પરંતુ હવે AI વ્હીકલ સમસ્યાને ડિટેક્ટ કરતાની સાથે જ તેનું ચોક્કસ GPS કો-ઓર્ડિનેટ્સ મેળવી લેશે.
આ તમામ ડેટા સીધો જ સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહોંચશે અને ત્યાંથી માત્ર સેકન્ડોમાં જ જે-તે વોર્ડના એન્જિનિયર અથવા ઓફિસરના મોબાઈલ પર 'વર્ક ઓર્ડર' તરીકે જતો રહેશે. સિસ્ટમમાં ટાઈમ સ્ટેમ્પની સુવિધા હોવાથી અધિકારીએ નક્કી કરેલા સમયગાળામાં જ કામ પૂર્ણ કરવું પડશે અને તેનો પ્રોગ્રેસ રિપોર્ટ ફોટા સાથે અપલોડ કરવો પડશે. આ ડિજિટલ મોનિટરિંગથી વહીવટી તંત્રની પારદર્શિતામાં વધારો થશે અને કામની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે.
નિષ્ણાતોના મતે, આ હાઈટેક ટેકનોલોજીથી મહાનગરપાલિકાને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે. પાણીનું લીકેજ કે રસ્તાની નાની તિરાડ શરૂઆતમાં જ પકડાઈ જાય, તો તેના રિપેરિંગનો ખર્ચ મોટો ખાડો પડ્યા પછી થતા ખર્ચ કરતા 70% જેટલો ઓછો હોય છે. વળી, કયા વિસ્તારમાં કેટલી વાર સમસ્યા ઉદભવે છે તેનો 'હીટ મેપ' તૈયાર થશે, જે ભવિષ્યના ટાઉન પ્લાનિંગમાં મદદરૂપ સાબિત થશે. ગાંધીનગરનું આ મોડેલ જો સફળ રહેશે, તો આગામી દિવસોમાં રાજ્યના અન્ય મહાનગરોમાં પણ તેને લાગુ કરવામાં આવી શકે છે.