ગાંધીનગરમાં સ્માર્ટ ટ્રાફિક ક્રાંતિ: હેપ્પીનેશ સર્કલ ખાતે લાગ્યું પ્રથમ AI આધારિત સિગ્નલ
-
હવે વાહનોના પ્રવાહ મુજબ સિગ્નલ બદલાશે; બિનજરૂરી ગ્રીન લાઈટથી મળશે મુક્તિ.
-
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમન થશે વધુ સરળ; નિયમ ભંગ કરનારને ઘરે મળશે મેમો.
- ટ્રાફિક પોલીસ અને GMC ની સંયુક્ત પહેલ; પૂરઝડપે વધતા ટ્રાફિકને રોકવા માસ્ટર પ્લાન.
સિટી ન્યુઝ @ ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા શહેરના આઇકોનિક રોડ એવા ભાઈજીપુરા બ્રિજથી PDEU-GNLU-ગિફ્ટ સિટી રોડ ઉપર વાહન વ્યવહાર સુચારુરુપે ચાલતો રહે તેમજ રોડ સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે આશયથી સૌ પ્રથમ વખત AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ટ્રાફિક સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ અત્યાધુનિક સિગ્નલ મેટ્રોના બ્રિજ નીચે આવેલા હેપ્પીનેશ સર્કલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.
આ નવી સિસ્ટમથી નાગરિકોનો બિનજરૂરી સમય વેડફાતો અટકશે. પરંપરાગત સિગ્નલોમાં વાહનો ન હોય તો પણ નિશ્ચિત સમય સુધી ગ્રીન લાઈટ ચાલુ રહેતી હતી, પરંતુ AI આધારિત સિગ્નલ ટ્રાફિકના ઘસારા પ્રમાણે જાતે જ સમયમાં ફેરફાર કરશે. ટ્રાફિકના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ એક પાયલોટ પ્રોજેક્ટ છે અને તેની અસરકારકતા અત્યારથી જ દેખાઈ રહી છે. સાંજ અને સવારના સમયે જ્યારે ટ્રાફિકની અવરજવર વધુ હોય ત્યારે આ સિસ્ટમ અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ ટેકનોલોજીની એક વિશેષતા એ પણ છે કે ટ્રાફિક નિયમ ભંગના કિસ્સામાં VOC ની મદદથી વાહન માલિકને સીધો જ દંડનો મેમો મોકલી દેવામાં આવશે. ગાંધીનગરના રસ્તાઓ પર ભવિષ્યમાં જો વધુ સ્થળોએ આ પદ્ધતિ અમલી બનશે, તો રોડ ઉપરનું ભારણ ઘટશે અને લોકોનો કિંમતી સમય બચશે.