ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના પર્વની ‘ફાઈનલ ટચ’ તૈયારી: ચારેય તાલુકામાં લોખંડી બંદોબસ્ત વચ્ચે EVM રવાના
-
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિસ્તબદ્ધ વિતરણ- સંવેદનશીલ મથકો પર પોલીસની બાજ નજર; શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ
-
ટેકનિકલ સ્ટાફે કર્યું મશીનોનું અંતિમ પરીક્ષણ- ગરમીને જોતા મતદારો માટે પાણી અને છાંયડાની વિશેષ સુવિધા
-
વહીવટી તંત્રની મહિનાઓની મહેનતનો આખરી ઓપ- નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણમાં મતદાન સંપન્ન કરાવવા પોલીસ ખડેપગે
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ ચૂંટવા માટે આવતીકાલે ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આજે જિલ્લાના ચાર મુખ્ય મથકો - ગાંધીનગર શહેર, કલોલ, માણસા અને દહેગામ ખાતેથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વીવીપેટ મશીનોનું વિતરણ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.
વહેલી સવારથી જ ડિસ્પેચિંગ સેન્ટરો પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઝોનલ ઓફિસરો દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને તમામ સાધન-સામગ્રી સુપરત કરવામાં આવી હતી. ટેકનિકલ સ્ટાફ દ્વારા મશીનોનું અંતિમ પરીક્ષણ કર્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોને વાહનોમાં લોડ કરવામાં આવ્યા હતા. આ મશીનોને નિયત મતદાન મથકો સુધી પહોંચાડવા માટે એસટી નિગમની વિશેષ બસોની ફાળવણી કરવામાં આવી હતી, જે વ્યવસ્થિત રૂટ ચાર્ટ મુજબ રવાના થઈ હતી.
સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા માત્ર મતદાનની જ નહીં, પરંતુ મતદાન બાદ મશીનો સુરક્ષિત રીતે પરત મેળવવા માટે રિસીવિંગ સેન્ટરો પર પણ ખાસ ટેબલો અને સીલિંગની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
તાલુકા વિકાસ અધિકારી મલય ભુવાએ જણાવ્યું હતું કે, હાલની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે મતદાન મથકો પર પીવાના પાણી અને છાંયડાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલિંગ સ્ટાફે પણ પોતાની જવાબદારી સમજીને દરેક સામગ્રીની ઝીણવટભરી ચકાસણી કરી છે. આમ, ગાંધીનગર જિલ્લામાં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સમગ્ર સરકારી મશીનરી એક્શન મોડમાં છે.