ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપની 'સર્જિકલ સ્ટ્રાઈક': 28 માંથી 27 બેઠકો પર 'નો રિપીટ', મોટા માથાના પતા કપાયા!
- 90 ટકા નવા ચહેરાઓ પર દાવ – જિલ્લા પંચાયત પ્રમુખ અને અનેક સમિતિના ચેરમેનોની થઈ રજા
- માણસાની લોદરા અને દહેગામની કડજોદરા બેઠક પર જ જૂના જોગીઓ રિપીટ – જાણો કોણ ઇન અને કોણ આઉટ?
- માણસાની સમૌ બેઠક પર સસ્પેન્સ યથાવત – ઠાકોર અને પાટીદાર સમાજના સમીકરણો પર પક્ષનો ભરોસો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્તા ટકાવી રાખવા માટે ભાજપે ગાંધીનગર જિલ્લા પંચાયત માટે રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. શુક્રવારે જાહેર થયેલી યાદીમાં ભાજપે અત્યાર સુધીની સૌથી કડક 'નો રિપીટ' થીયરી અમલી બનાવી છે. 28 બેઠકો ધરાવતી ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 27 બેઠકો પર નવા ચહેરાઓને સ્થાન આપીને પક્ષે વિરોધ પક્ષ કોંગ્રેસને ચોંકાવી દીધી છે. માત્ર કલ્પેશ પટેલ અને રાજેન્દ્ર રાઠોડ જ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
આ યાદીમાં સૌથી વધુ ધ્યાન ઠાકોર અને પાટીદાર વોટબેંક પર આપવામાં આવ્યું છે. 9 ઠાકોર ઉમેદવારો સાથે પક્ષે ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. નવા સીમાંકન અને રોટેશનને કારણે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના 'મોટા માથા' ઓના પત્તા કપાઈ ગયા છે. શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ અને સિંચાઈ સમિતિના ચેરમેન લીલાબેન પટેલની બેઠકો અનામત થતા તેઓ રેસમાંથી બહાર થઈ ગયા છે.
પરિવારવાદના કિસ્સામાં ભાજપે કેટલીક બાંધછોડ કરી હોય તેમ જણાય છે, જ્યાં પૂર્વ હોદ્દેદારોના પુત્રવધુ કે પત્નીને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ, સાંતેજ અને ભોયણ મોટી જેવી બેઠકો પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુંઓ પર ભરોસો જાળવી રાખ્યો છે. માણસાની સમૌ બેઠક પર હજુ પણ ઉમેદવારનું નામ જાહેર ન કરીને ભાજપે છેલ્લી ઘડીનું સસ્પેન્સ જાળવી રાખ્યું છે.
રાજકોટના રાજકારણમાં પણ ગાંધીનગરના આ 'મોડલ' ની ચર્ચાઓ શરૂ થઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ 90 ટકા નવા ચહેરાઓ કોંગ્રેસના વર્ષો જૂના એકાધિકારને રોકવામાં કેટલા સફળ રહે છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપ માટે આ ચૂંટણી માત્ર જીત નથી, પણ પોતાની નવી કેડરને સ્થાપિત કરવાની એક મોટી તક છે.