ગાંધીનગરમાં 'ઘરભેદુ' એ જ ખેલ પાડ્યો: જાણીતા જ્વેલરી શોરૂમના ફેશન કન્સલટન્ટે ₹5 લાખના દાગીના ચોર્યા, PG માંથી મળ્યો મુદ્દામાલ!
- ગાંધીનગરમાં 'ઘરભેદુ' એ જ ખેલ પાડ્યો: જાણીતા જ્વેલરી શોરૂમના ફેશન કન્સલટન્ટે ₹5 લાખના દાગીના ચોર્યા, PG માંથી મળ્યો મુદ્દામાલ!
- કુડાસણના જીવા જ્વેલર્સમાં વિશ્વાસઘાત - માસિક ઓડિટમાં ભાંડો ફૂટ્યો, ઇન્ફોસિટી પોલીસે અભિકુમાર પ્રજાપતિની કરી ધરપકડ.
- પ્રમુખ એવન્યુના શોરૂમમાં સ્ટોક ઓછો નીકળતા મેનેજરે પીજી રૂમમાં પાડી દરોડો - સોનાની બુટ્ટી અને પેન્ડલ થેલામાંથી મળ્યા
ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમમાં વિશ્વાસઘાત અને ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. શોરૂમમાં જ ગ્રાહકોને ફેશનેબલ જ્વેલરી પસંદ કરાવતા સીનિયર ફેશન કન્સલટન્ટ અભિકુમાર પ્રજાપતિએ જ શોરૂમની તિજોરી સાફ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, માસિક ઓડિટમાં પકડાઈ જવાની બીકે તે ભાગે તે પહેલા જ મેનેજમેન્ટે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો.
એક મહિનાથી ચાલતી હતી 'છૂપી' ચોરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 18 ફેબ્રુઆરીથી 26 માર્ચ દરમિયાન આરોપીએ ધીરે ધીરે દાગીના સેરવવાનું શરૂ કર્યું હતું. જ્યારે સ્ટોર મેનેજર સુનીલભાઈ મોચી અને એરિયા મેનેજરે ઓડિટ કર્યું ત્યારે મોટો તફાવત જોવા મળ્યો. શંકાની સોય અભિકુમાર પર જતા, તેઓ તેના પીજી રૂમ 'ધ બેચલર સ્પેસ' પર પહોંચ્યા હતા. ત્યાં તેના થેલામાંથી ચોરી કરેલા દાગીના મળી આવતા શોરૂમના સંચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
પોલીસ કાર્યવાહી ઇન્ફોસિટી પોલીસે આ મામલે ₹5.04 લાખની ચોરીનો ગુનો નોંધી આરોપી અભિકુમારની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તેમજ અગાઉ ચોરેલા દાગીના તેણે ક્યાંક ગીરવે મૂક્યા છે કે વેચી દીધા છે તે અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ છે.