Loading Please Wait !!!
રવિવારે 'ગુજકેટ'નો જંગ: 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, શિક્ષણ બોર્ડનો એક્શન પ્લાન તૈયાર!

  • 36 ઝોનના 668 કેન્દ્રો પર કડક બંદોબસ્ત - CCTV ની નજર હેઠળ લેવાશે કસોટી
  • ગરમીને જોતા પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી અને આરોગ્ય ટીમ તૈનાત રાખવા આદેશ
  • ક્લાસ-2 ના અધિકારીઓ સંભાળશે ઝોનલ જવાબદારી - પ્રશ્નપત્રોની સુરક્ષા માટે વિશેષ વાહનોની વ્યવસ્થા.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે લેવાતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET) આગામી 29મી માર્ચ, રવિવારના રોજ યોજાનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા માટેનો સંપૂર્ણ એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યના 36 ઝોનમાં 668 કેન્દ્રો પર એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બતાવશે.

કડક સુરક્ષા અને સીસીટીવી વોચ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડે કમર કસી છે. તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. બોર્ડની સૂચના મુજબ, પરીક્ષાના કામકાજના જાણકાર હોય તેવા વર્ગ-2 ના અધિકારીઓને ઝોનલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્નપત્રો અને ઓએમઆર (OMR) શીટની હેરફેર માટે વિશેષ વાહનો અને સરકારી પ્રતિનિધિઓની સુરક્ષા રાખવામાં આવશે.

ગરમીને જોતા આરોગ્ય સુવિધા પર ભાર હાલમાં ઉનાળાની શરૂઆત હોવાથી અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે શિક્ષણ વિભાગે વિશેષ સૂચનાઓ આપી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પીવાના ઠંડા પાણીની પૂરતી વ્યવસ્થા અને ઇમરજન્સી માટે આરોગ્ય ટીમ તૈનાત રાખવા માટે અમદાવાદ શહેર સહિત તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ અપાયા છે.

કંટ્રોલરૂમ અને કાઉન્સિલિંગ વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે બોર્ડ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાનો કંટ્રોલરૂમ 28 માર્ચથી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત થશે, જ્યારે જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ 27 માર્ચથી સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરીક્ષાના ડરને દૂર કરવા માટે કાઉન્સિલિંગ કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાતો વિદ્યાર્થીઓને માનસિક મજબૂતી પૂરી પાડશે.

બોર્ડની આ પરીક્ષાના સફળ સંચાલન માટે સમગ્ર શિક્ષણ વિભાગ હરકતમાં છે. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.