ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ફિઝિક્સ-કેમેસ્ટ્રીમાં પ્રશ્નો રદ થતા બોર્ડ આપશે 4 માર્કનું 'ગ્રેસિંગ'!
- પ્રોવિઝનલ આન્સર કીમાં છબરડો બહાર આવ્યો - ભૂલ સુધારવા તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણ આપવાનો શિક્ષણ બોર્ડનો નિર્ણય
- ગુજરાતી માધ્યમમાં ફિઝિક્સના 3 પ્રશ્નો રદ - આન્સર કી સામે 4 એપ્રિલ સુધી ઓનલાઈન વાંધા રજૂઆત કરી શકાશે
- પ્રશ્ન દીઠ ₹500 ફી સાથે પડકારી શકાશે જવાબ - રજૂઆત સાચી ઠરશે તો ફી પરત મળશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની મુખ્ય પરીક્ષાના પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કીમાં સ્વીકારવામાં આવ્યું છે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં કેટલાક પ્રશ્નોમાં ટેકનિકલ ભૂલો હતી. જેના કારણે હવે હજારો વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્કસનો સીધો લાભ મળશે.
કયા વિષયમાં કેટલા માર્કસ વધશે? શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ, કેમેસ્ટ્રીના પેપરમાં અંગ્રેજી માધ્યમના બે પ્રશ્નો રદ કરાયા છે, જેથી તે વિદ્યાર્થીઓને 2 માર્ક રોકડા મળશે. જ્યારે ગુજરાતી અને હિન્દી માધ્યમમાં 1 માર્કનું ગ્રેસિંગ અપાશે. ફિઝિક્સમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે ત્યાં 3 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 3 માર્ક સમાન ગુણ તરીકે ઉમેરવામાં આવશે. અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ફિઝિક્સમાં 2 માર્કનું ગ્રેસિંગ નક્કી કરાયું છે.
વાંધા ઉઠાવવાની છેલ્લી તક જો કોઈ વિદ્યાર્થી કે વાલીને આ પ્રોવિઝનલ આન્સર કીના અન્ય કોઈ જવાબ સામે વાંધો હોય, તો તેઓ 4 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. જોકે, આ માટે પ્રશ્ન દીઠ ₹500 ની ફી રાખવામાં આવી છે. જો બોર્ડના નિષ્ણાતો વિદ્યાર્થીની રજૂઆતને યોગ્ય માનશે, તો જ આ ફી પરત કરવામાં આવશે. આ ગ્રેસિંગના કારણે મેરિટ લિસ્ટ અને ગુજકેટ (GUJCET) ના સ્કોર પર પણ તેની અસર જોવા મળી શકે છે.