જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સામે આક્ષેપો
-
ગીચ વસતીની નજીક કાર્યરત પ્લાન્ટ સામે સવાલો
-
જીવાત અને રોગચાળાનું જોખમ સતત વધી રહ્યું
-
પ્રદૂષણ બોર્ડ અને મનપા દ્વારા માત્ર નોટિસો
સિટી ન્યુઝ @ જામનગર
જામનગરમાં શહેરી વિસ્તાર અને ગીચ વસતીની નજીક કાર્યરત ઘનકચરામાંથી વીજ ઉત્પાદન કરતા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી સામે ગંભીર ગેરરીતિઓ, પર્યાવરણીય પ્રદૂષણ, ફેલાતી દુર્ગંધ અને તંત્રની ભારે બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન એ. માડમ દ્વારા ગુજરાતના રાજ્યપાલ સમક્ષ એક લેખિત રજૂઆત કરીને આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે, જેને લઈને રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ગીચ વસતીની બિલકુલ નજીક કાર્યરત આ પ્લાન્ટ વારંવાર ચાલુ અને બંધ થવાની સ્થિતિમાં રહે છે, જેના કારણે ઘનકચરાના નિકાલની ગંભીર સમસ્યા સર્જાય છે. પ્લાન્ટની અનિયમિત કામગીરી દરમિયાન કચરાના મોટા ઢગલા, અસહ્ય દુર્ગંધ અને જીવાતની સમસ્યા વ્યાપક પ્રમાણમાં ઊભી થાય છે. આ તમામ બાબતોના કારણે આસપાસના સ્થાનિક નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
પ્લાન્ટ સંચાલકો દ્વારા સરકાર સાથે કરવામાં આવેલા કરારની શરતોનું યોગ્ય પાલન થાય છે કે કેમ, જરૂરી પ્રોસેસિંગ વ્યવસ્થા, પર્યાવરણ સુરક્ષાના પગલાં, ગેસ નિયંત્રણ તેમજ લીચેટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ તે અંગે પણ રજૂઆતમાં ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા જામનગર મહાનગરપાલિકા સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં માત્ર કાગળ પર નોટિસો આપીને મામલો ઠંડો પાડી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
આ ઉપરાંત, પ્લાન્ટ સંચાલક કંપનીને મળેલી સરકારી સહાય, બેંકો મારફત મેળવેલા નાણાં, વિવિધ મહાનગરપાલિકાઓ સાથે થયેલા કરારો તથા જામનગરના પ્રોજેક્ટની કામગીરીની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જાહેર નાણાંના સંભવિત દુરુપયોગના આક્ષેપોને પગલે આર્થિક ગુના શાખા (EOW) અથવા સીબીઆઈ (CBI) જેવી સ્વતંત્ર કેન્દ્રીય એજન્સી મારફત સઘન તપાસ કરાવવાની રજૂઆત કરવામાં આવી છે.
નીતિન માડમે રાજ્યપાલ સમક્ષ સમગ્ર મામલે સ્વતંત્ર ઉચ્ચસ્તરીય ન્યાયિક-ટેક્નિકલ તપાસ સમિતિ રચવા, પર્યાવરણીય મંજૂરીઓની વૈજ્ઞાનિક સમીક્ષા તથા સ્થળ તપાસ કરાવવા અને અસરગ્રસ્ત નાગરિકોના આરોગ્ય માટે જરૂરી તબીબી કેમ્પ તથા સારવારની વ્યવસ્થા કરવા માંગ કરી છે. કરારભંગ અથવા નાણાકીય નુકસાન સાબિત થાય તો જવાબદાર કંપની પાસેથી નાણાંની વસૂલાત તથા કસૂરવાર અધિકારીઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે.
પર્યાવરણ અને જન આરોગ્ય
શહેરી વિસ્તારોમાં ચાલતા ઔદ્યોગિક અને પ્રોસેસિંગ પ્રોજેક્ટ્સમાં પર્યાવરણીય માપદંડોનું ચુસ્ત પાલન ન થવાથી સ્થાનિક નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય છે, જેના માટે કડક પ્રશાસનિક દેખરેખ અનિવાર્ય છે.