Loading Please Wait !!!
"અમદાવાદ રેલવે સ્ટેશન પર નકલી ટિકિટ કૌભાંડનો પર્દાફાશ: પ્રયાગરાજ એક્સપ્રેસમાં 15 મુસાફરો ઝડપાયા, રેલવે તંત્ર સ્તબ્ધ"

  • એક જ સિરિયલ નંબરની અનેક ટિકિટોએ પોલ ખોલી - અસલી ટિકિટ સ્કેન કરી નકલી વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું
  • ક્યૂઆર કોડ સ્કેનિંગમાં ફૂટી ગયું કારસ્તાન - 21 માર્ચે અમદાવાદ પહોંચેલી ટ્રેનમાં રેલવે પોલીસની મોટી કાર્યવાહી
  • પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસમાં ટિકિટ ચેકિંગ સ્ટાફની સતર્કતા - રિફંડ મેળવીને નકલી ટિકિટો વેચવાનું આચર્યું કૌભાંડ

પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને રેલવે તંત્ર માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર હાથ ધરાયેલા રૂટિન ચેકિંગ દરમિયાન એક જ સિરિયલ નંબરની અનેક ટિકિટો મળી આવતા નકલી ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે રેલવે પોલીસે 15 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક જ સિરિયલ નંબરે ખોલી પોલ ગત 21 માર્ચના રોજ જ્યારે પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ અમદાવાદ પ્લેટફોર્મ પર આવી, ત્યારે ટિકિટ ચેકિંગ સ્ટાફે મુસાફરોની ટિકિટ તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અધિકારીઓને કેટલીક ટિકિટોમાં એક જ સરખો સિરિયલ નંબર જોવા મળતા શંકા ગઈ હતી. જ્યારે ટિકિટના ક્યૂઆર કોડ (QR Code) સ્કેન કરવામાં આવ્યા, ત્યારે ટેકનિકલ સિસ્ટમમાં તે ટિકિટો નકલી હોવાનું સાબિત થયું હતું.

ફેસિલિટેટર્સનું ભેજબાજ મગજ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ATVM ફેસિલિટેટર તરીકે કામ કરતા કેટલાક શખ્સો આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે. તેઓ પહેલા અસલી ટિકિટ ખરીદતા, તેને હાઈ-ક્વોલિટી સ્કેનરથી સ્કેન કરી તેની અનેક નકલો તૈયાર કરતા હતા. ત્યારબાદ અસલી ટિકિટ રદ કરાવી રિફંડ મેળવી લેતા અને મુસાફરોને ઓછી કિંમતે અથવા છેતરીને આ નકલી ટિકિટો પધરાવી દેતા હતા.

રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના તાર પ્રયાગરાજ સુધી લંબાવ્યા છે. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા મુસાફરોને આવી નકલી ટિકિટો અપાઈ છે, તે દિશામાં પૂછપરછ ચાલી રહી છે. રેલવે તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે અધિકૃત વિન્ડો અથવા પોર્ટલ પરથી જ ટિકિટ ખરીદવી જેથી આવી છેતરપિંડીનો ભોગ ન બનાય.