ગાંધીનગરમાં ‘તોડબાજ’ પત્રકારોનો આતંક: મહિલા બુટલેગરને વીડિયોના નામે બ્લેકમેલ કરી એક લાખ પડાવ્યા
-
ગાંધીનગરના સાંતેજમાં ત્રણ પત્રકારોએ મહિલા બુટલેગરને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ₹1.05 લાખનો તોડ કર્યો.
-
'જાગૃત ગુજરાત ન્યૂઝ' ચેનલના પત્રકાર અંકિત મહેશકુમાર વ્યાસની પોલીસે ધરપકડ કરી છે.
-
આરોપીઓએ મહિલા પાસે રોકડા, ઓનલાઇન ટ્રાન્સફર અને તેના દાગીના વેચેલા પૈસા પણ પડાવ્યા હતા
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં પત્રકારત્વના ઓઠા હેઠળ બ્લેકમેલિંગ અને તોડ કરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. રકનપુર ગામની સીમમાં રહેતી એક વિધવા મહિલાને તેના દારૂ વેચવાના વીડિયોના આધારે બ્લેકમેલ કરી ત્રણ કથિત પત્રકારોએ કુલ ₹1,05,000નો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
ફરિયાદી લક્ષ્મીબેન ચુનારાના જણાવ્યા મુજબ, તેઓ અગાઉ પોતાનું અને ચાર બાળકોનું ગુજરાન ચલાવવા દેશી દારૂ વેચતા હતા. 10 ડિસેમ્બર 2025ના રોજ સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસ નામના ત્રણ શખ્સો પત્રકારની ઓળખ આપી તેમના ઘરે પહોંચ્યા હતા. મિતાંશુએ દારૂની કોથળીઓ સાથે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ધમકી આપી હતી કે જો દર મહિને ₹40,000 નહીં મળે તો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. જેલના ડરથી મહિલાએ તે જ દિવસે ₹40,000 રોકડા આપ્યા હતા.
આટલેથી ન અટકતા, આ ટોળકીએ અવારનવાર ધમકી આપી વધુ નાણાંની માંગણી કરી હતી. મહિલાએ ટુકડે-ટુકડે ₹25,000 અને ₹15,000 આપ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે મિતાંશુએ દબાણ કરતા મહિલાએ પોતાના સોનાના દાગીના વેચીને પણ ₹20,000 આપવા પડ્યા હતા. મહિલાએ દારૂનો ધંધો બંધ કરી દીધો હોવા છતાં આ ટોળકીએ ફોન પર ઉઘરાણી ચાલુ રાખતા આખરે તેમણે પોલીસનો સહારો લીધો હતો.
સાંતેજ પીઆઈ એસ.આર. મૂછાળે જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે 'જાગૃત ગુજરાત ન્યૂઝ' ચેનલના પત્રકાર અંકિત વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. અંકિત વ્યાસ વિરુદ્ધ અમદાવાદમાં અગાઉ પણ ચાર ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસ અત્યારે સંજય પાંડે અને મિતાંશુ દરજી સહિત અન્ય બે શખ્સોની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક લોકોને આ પ્રકારે બ્લેકમેલ કરી તોડ કર્યો હોઈ શકે છે.