અમદાવાદમાં નકલી ઘીના કારોબાર પર AMCનો સતત બીજા દિવસે સપાટો: કઠવાડાની ફેક્ટરી સીલ
- 'શ્રી માતંગી ડેરી' માંથી ₹2.85 લાખનું 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, એક્સપાયર્ડ લાયસન્સ પર ચાલતું હતું પાપ આચરવાનું કેન્દ્ર
- માખન મીસરી' અને 'સ્વામિનારાયણ' બ્રાન્ડના નામે થતું હતું પેકિંગ, સ્વચ્છતાના નિયમોના ઉડ્યા લીરેલીરા
- જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં, તંત્રની ઢીલી નીતિથી ભેળસેળિયાઓ બેફામ બન્યા
સિટી ન્યુઝ @ અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે સતત બીજા દિવસે લાલ આંખ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલા સત્ય-2 ઈન્ડસ્ટ્રીઅલ પાર્કના શેડ નંબર C/73 માં ગેરકાયદેસર રીતે ધમધમતી 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ' નામની ફેક્ટરી પર ફૂડ વિભાગે ઓચંતો દરોડો પાડ્યો હતો. ચિંતનભાઈ નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતી આ ફેક્ટરીમાંથી સત્તાધારી ટીમે આશરે ₹2.85 લાખની કિંમતનું 452 લિટર શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જપ્ત કરી સમગ્ર એકિટીવિટીને સીલ કરી દીધી છે.
તપાસ દરમિયાન તંત્ર સામે જે ચોંકાવનારી વિગતો આવી છે તે મુજબ, આ ફેક્ટરી પાસેનું ફૂડ સેફ્ટી લાયસન્સ લાંબા સમયથી એક્સપાયર થઈ ગયું હતું. આટલું જ નહીં, લાયસન્સમાં દર્શાવેલું સરનામું પણ અલગ જ સ્થળનું હતું. સૌથી ગંભીર બાબત એ છે કે, લાયસન્સમાં શુદ્ધ ઘીના ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જ નહોતો, છતાં ત્યાં મોટા પાયે ઘી બનાવવામાં આવતું હતું અને ફેક્ટરીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાથી હાઈજીનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હતું. અહીં 'કાઉઝ પ્યોર ઘી' નામથી 'માખન મીસરી' અને 'સ્વામિનારાયણ' બ્રાન્ડના 500 મિલી અને 1 લિટરના જાર તેમજ લૂઝ જથ્થો પેક કરીને બજારમાં વેચવા માટે મોકલવામાં આવતો હતો. તંત્રએ આ તમામ જથ્થો જપ્ત કરી સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે.
નોંધનીય છે કે, આ અગાઉ પ્રથમ દિવસે ફૂડ વિભાગે અમદાવાદના CTM, વટવા અને દૂધેશ્વર વિસ્તારમાં સપાટો બોલાવીને ₹31.81 લાખની કિંમતનો ગાયનો 4,850 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. બે દિવસમાં જ લાખો રૂપિયાનું નકલી ઘી પકડાતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે અને આરોગ્ય વિભાગની કડક કાનૂની જોગવાઈઓ સામે પણ સવાલો ઉભા થયા છે.
સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું ને ગાંધીનગરથી ટીમ આવી! આરોગ્ય વિભાગ ભલે 'ઝીરો ટોલરન્સ' ની મોટી વાતો કરતું હોય, પરંતુ વાસ્તવિકતા અલગ છે. સ્થાનિક અધિકારીઓની નાક નીચે આ ખેલ ચાલતો હોવા છતાં તેઓ આંખ આડા કાન કરે છે, જેના કારણે છેક ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડને દરોડા પાડવા આવવું પડે છે. આ ઘટના સ્થાનિક તંત્ર અને ભેળસેળિયાઓ વચ્ચેની સંભવિત મિલીભગત અને ઘોર બેદરકારી તરફ આંગળી ચિંધે છે.