Loading Please Wait !!!
નોર્વેમાં યુરોપનું સૌથી મોટું AI ડેટા સેન્ટર: માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઇ કરશે ઉપયોગ

  • ઠંડા હવામાન અને સસ્તી વીજળીનો લાભ લેવા બ્રિટિશ સ્ટાર્ટઅપ Nscale ની મોટી પહેલ
  • ૯.૫૭ લાખ કરોડથી વધુનો પ્રોજેક્ટ, એનવીડિયાના અદ્યતન પ્રોસેસરથી થશે સજ્જ
  • ૫૨૦ મેગાવોટ વીજળીનો વપરાશ કરશે આ સેન્ટર, હાઈડ્રોપાવરથી મળશે સસ્તી ઊર્જા

સિટી ન્યુઝ @ ઓસ્લો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી જતી વિશ્વવ્યાપી માંગને પહોંચી વળવા માટે બ્રિટિશ સ્ટાર્ટઅપ ‘Nscale’ દ્વારા નોર્વેના નાર્વિકમાં યુરોપનું સૌથી મોટું અને અત્યાધુનિક AI ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આર્કટિક સર્કલની નજીક સ્થિત આ પ્રોજેક્ટ તેના કુદરતી ઠંડા વાતાવરણ અને સસ્તી હાઇડ્રોપાવર ઊર્જાને કારણે ટેક જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અહીંનું તાપમાન શિયાળામાં -૪ થી -૬ ડિગ્રી અને ઉનાળામાં પણ ૧૫ થી ૧૭ ડિગ્રી સેલ્સિયસ રહેતું હોવાથી ડેટા સેન્ટરના સર્વર્સ અને ચિપ્સને કુદરતી રીતે ઠંડા રાખવા માટે વધારાની ઉર્જાનો ખર્ચ નહીં કરવો પડે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ ૯.૫૭ લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જેનો મોટો હિસ્સો એટલે કે ૬૦ થી ૮૦ ટકા ખર્ચ એનવીડિયાના નવા ‘વેરા રુબિન’ (Vera Rubin) પ્રોસેસર્સ ખરીદવા પાછળ કરવામાં આવશે. સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ આ ડેટા સેન્ટર ૫૨૦ મેગાવોટ વીજળીનો વપરાશ કરશે, જે નોર્વેના હાલના તમામ ડેટા સેન્ટર્સના કુલ વપરાશ કરતાં પણ વધારે છે. નોર્વેમાં હાઇડ્રોપાવરના કારણે વીજળીનો દર ૩-૪ રૂપિયા પ્રતિ યુનિટ હોવાથી તે યુરોપના અન્ય દેશોની સરખામણીએ ખૂબ જ સસ્તો પડે છે.

આ ડેટા સેન્ટરનો મુખ્ય ઉપયોગ ‘માઇક્રોસોફ્ટ’ અને ‘ઓપનએઆઇ’ દ્વારા કરવામાં આવશે. વર્ષના અંત સુધીમાં આ સેન્ટરમાં ૧ લાખથી વધુ એડવાન્સ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPUs) સ્થાપિત કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. AI ક્ષેત્રે ભારત સહિત સમગ્ર વિશ્વમાં જ્યારે ડેટા સેન્ટર્સની જરૂરિયાત વધી રહી છે, ત્યારે નોર્વેનો આ પ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસને એક નવી ગતિ અને દિશા આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ડેટા સેન્ટર માટે નોર્વે શા માટે પસંદગીનું સ્થળ?

નોર્વેની ભૌગોલિક સ્થિતિ ડેટા સેન્ટર્સ માટે આશીર્વાદ સમાન છે. ઠંડા તાપમાનને લીધે ડેટા સર્વરને કુલિંગ સિસ્ટમ માટે ઓછા વીજ વપરાશની જરૂર પડે છે. ઉપરાંત, નોર્વેમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ સસ્તો હાઇડ્રોપાવર ડેટા સેન્ટરના સંચાલન ખર્ચમાં મોટો ઘટાડો કરે છે. પર્યાવરણને અનુકૂળ વીજળી અને કુદરતી ઠંડકને કારણે મોટી ટેક કંપનીઓ હવે નોર્વે જેવા ઉત્તરીય દેશોને ડેટા સેન્ટર માટે પ્રાથમિકતા આપી રહી છે, જે આજના ડિજિટલ યુગમાં ટકાઉ વિકાસ માટે અનિવાર્ય છે.