Loading Please Wait !!!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ: સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા

  • કુવૈત અને બહેરીનમાં અમેરિકન મથકો નિશાન પર, જોર્ડનમાં F35 હેંગર નષ્ટ થવાના અહેવાલ
  • સૈન્ય મથકો અને રડાર સિસ્ટમ પર હુમલા, સમગ્ર વિસ્તારમાં કટોકટી જેવી સ્થિતિ
  • દક્ષિણ ઈરાનમાં અમેરિકન હુમલાના વળતા જવાબમાં બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ ગુંજી ઉઠ્યા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

અમેરિકા અને ઈરાન વચ્ચેનો લાંબા સમયથી ચાલતો તણાવ હવે સીધી અને ખુલ્લી સૈન્ય અથડામણમાં ફેરવાઈ ગયો છે. દક્ષિણ ઈરાનમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા આક્રમક હુમલાના વળતા જવાબમાં ઈરાને ખાડી ક્ષેત્રમાં સ્થિત અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવીને જોરદાર હુમલા શરૂ કર્યા છે. ઈરાની સૈન્ય કમાન 'ખાતમ અલ-અંબિયા' એ દાવો કર્યો છે કે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને સીધા નિશાન બનાવીને તબાહ કરવામાં આવ્યા છે, જ્યારે જોર્ડનમાં આવેલા F35 ફાઈટર જેટના હેંગર પણ નષ્ટ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટની આસપાસના વિસ્તારો પ્રચંડ વિસ્ફોટોથી ગુંજી ઉઠ્યા છે. કેશમ દ્વીપ અને બંદર અબ્બાસ બંદરગાહની નજીક પણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થતા હોર્મોઝગાન પ્રાંતમાં કટોકટી (ઈમરજન્સી) જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ દાવો કર્યો છે કે તેમના હેલિકોપ્ટર તોડી પાડવાની ઘટના બાદ આત્મરક્ષણ માટે તેમણે આ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ, અમેરિકન મીડિયા અહેવાલોમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ હુમલા અને વળતા હુમલાઓને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકાના હુમલા અટકશે નહીં તો તેઓ હુમલાનું દાયરો વધુ વિનાશક બનાવશે. યુદ્ધ જેવી આ ગંભીર પરિસ્થિતિને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતાનો માહોલ છે. હાલ બંને દેશો એકબીજા પર આક્રમકતાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક શાંતિ માટે મોટું જોખમ ઊભું થયું છે.

 વધતો જતો ભૌગોલિક તણાવ

પશ્ચિમ એશિયામાં શરૂ થયેલી આ નવી અથડામણ વિશ્વ માટે ચિંતાનો વિષય છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વનો માર્ગ છે, તેની આસપાસ વિસ્ફોટો થવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક સુરક્ષા પર તેની સીધી અસર પડી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક શક્તિઓ આ મામલે શાંતિ જાળવવા માટે અપીલ કરી રહી છે, પરંતુ જમીની હકીકત મુજબ બંને દેશોના સૈન્ય મથકો પર થઈ રહેલા હુમલા પરિસ્થિતિને વધુ વણસાવી રહ્યા છે.