Loading Please Wait !!!
રશિયાને નબળું પાડવા EU ની મોટી કાર્યવાહી: ભારતની ૫૦ કંપનીઓ પર પ્રતિબંધનું જોખમ

  • નવો પ્રસ્તાવ રશિયાના સૈન્ય-ઔદ્યોગિક માળખાને નિશાન બનાવશે, ભારત સહિત ૬ દેશોની કંપનીઓ રડારમાં
  • રશિયાને મદદનો આક્ષેપ, ક્રિપ્ટો પ્લેટફોર્મ અને બેંકો પણ એક્શન પ્લાનમાં સામેલ
  • ડ્રોન મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી કંપનીઓ અને ૯૦ બેંકો પર લટકી રહી છે તલવાર

સિટી ન્યુઝ @ બ્રસેલ્સ

રશિયા-યુક્રેન યુદ્ધના બે વર્ષ બાદ યુરોપિયન યુનિયન (EU) હવે રશિયાને આર્થિક રીતે એકલવાયું કરવા માટે અત્યાર સુધીનું સૌથી કડક પગલું ભરી રહ્યું છે. EU દ્વારા ૨૧મા પ્રતિબંધ પેકેજનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાના સૈન્ય-ઔદ્યોગિક માળખાને આર્થિક રીતે તોડવાનો છે. આ નવા પ્રસ્તાવ અંતર્ગત ભારત, ચીન, તુર્કિયે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને UAE સહિત ૬ દેશોની આશરે ૫૦ જેટલી કંપનીઓ પર એક્સપોર્ટ કંટ્રોલ (નિકાસ પ્રતિબંધ) લાદવાની તૈયારી છે. આ કંપનીઓ પર રશિયાને આડકતરી રીતે મદદ કરવાનો આક્ષેપ છે.

યુરોપિયન કમિશનના વાઇસ પ્રેસિડેન્ટ કાજા કલાસે જણાવ્યું છે કે આ પગલું રશિયાની યુદ્ધ માટેની કમાણી અને તેના ટ્રાન્સપોર્ટ નેટવર્કને તોડવા માટે લેવામાં આવ્યું છે. આ પેકેજમાં ડ્રોન ઉત્પાદન સાથે જોડાયેલી ૩૦થી વધુ નવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રશિયાની મદદ કરતી અંદાજે ૯૦ બેંકોની અસ્કયામતો ફ્રીઝ કરવા અને ૧૧ જેટલા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સના વ્યવહારો પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. રશિયાના 'શેડો ફ્લીટ' ગણાતા ૩૦ જહાજો, ૨ બંદરો અને ૪ એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

એક તરફ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જાન્યુઆરી ૨૦૨૬માં થયેલો ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બંને દેશોના વેપારને નવી ઊંચાઈએ લઈ ગયો છે, તો બીજી તરફ આ નવા પ્રતિબંધોની ચર્ચાએ વેપારી વર્તુળોમાં ચિંતા જગાવી છે. જોકે, તાજેતરમાં જ EU એ ભારતથી માછલી, ઈંડા અને મધની આયાત ચાલુ રાખવા મંજૂરી આપીને ભારતીય સેક્ટરને મોટી રાહત આપી છે. યુરોપ જ્યારે અમેરિકા અને ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી રહ્યું છે, ત્યારે આ નવા પ્રતિબંધો કેવી રીતે લાગુ થશે તે જોવું ખૂબ મહત્વનું રહેશે.

ભારત-EU FTA અને વર્તમાન સ્થિતિ

ભારત અને EU વચ્ચેનો FTA, જેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ કહેવામાં આવે છે, તે ભારતીય ટેક્સટાઇલ, ફાર્મા અને જ્વેલરી સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થયો છે. આ સમજૂતી હેઠળ ૯૦%થી વધુ ભારતીય ઉત્પાદનો ટેક્સ-ફ્રી થઈ ગયા છે. પરંતુ રશિયા વિરુદ્ધના આ નવા પ્રતિબંધ પેકેજને કારણે ભારતની કેટલીક કંપનીઓ પર પ્રતિબંધનું જોખમ રહેલું છે. ભારત સરકાર આ અંગે સભ્ય દેશો સાથે ચર્ચા કરીને પોતાની નિકાસકાર કંપનીઓના હિતોનું રક્ષણ કરવા પ્રયત્નશીલ રહેશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.