Loading Please Wait !!!
ક્રિકેટના જેન્ટલમેન કેન વિલિયમસનની નિવૃત્તિ, ન્યૂઝીલેન્ડ ટીમને લાગ્યો ઝટકો

  • ભારત સામે ડેબ્યૂ કરનાર 35 વર્ષીય દિગ્ગજ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
  • 16 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન કેપ્ટનની અચાનક વિદાય
  • ત્રણેય ફોર્મેટમાંથી લીધો સન્યાસ, 9515 ટેસ્ટ રન બનાવનાર મહાન બેટ્સમેનની વિદાય

સિટી ન્યુઝ @ સ્પોર્ટ 

વિશ્વ ક્રિકેટના આધુનિક યુગના સૌથી શાંત અને ભરોસાપાત્ર બેટ્સમેન ગણાતા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 12 જૂન 2026 ના રોજ આ 35 વર્ષીય દિગ્ગજ બેટ્સમેને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને મોટો આંચકો આપ્યો છે. વિલિયમસને ભાવુક થઈને કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી આ નિર્ણય અંગે વિચારી રહ્યા હતા અને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો આ જ સાચો સમય છે.

વર્ષ 2010 માં ભારત સામે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનાર વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો ભારે દબદબો જાળવી રાખ્યો હતો. તેમણે 110 ટેસ્ટ મેચમાં 54.1 ની શાનદાર સરેરાશથી 9515 રન બનાવ્યા છે, જેમાં 33 સદી સામેલ છે. મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં પણ તેઓ કીવી ટીમની કરોડરજ્જુ સમાન રહ્યા છે. 175 વન-ડે મેચમાં તેમણે 7256 રન અને 93 T20 મેચમાં 2575 રન બનાવ્યા છે. આઇપીએલમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેમણે પોતાની બેટિંગની ધાક જમાવી હતી.

કેન વિલિયમસન માત્ર એક મહાન બેટ્સમેન જ નહીં, પરંતુ ક્રિકેટ ઇતિહાસના સૌથી વિનમ્ર અને સફળ કેપ્ટન તરીકે હંમેશા યાદ રખાશે. તેમની જ કેપ્ટનશિપ હેઠળ ન્યૂઝીલેન્ડે વર્ષ 2021 માં ભારતને હરાવીને ઐતિહાસિક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. મેદાન પર ક્યારેય આક્રમકતા ન બતાવવી અને સ્લેજિંગથી દૂર રહીને માત્ર બેટથી જવાબ આપવાની તેમની આદતે તેમને 'જેન્ટલમેન' ની ઓળખ અપાવી છે. તેમની નિવૃત્તિ સાથે જ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના એક સુવર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.

કેન વિલિયમસનનું શાનદાર નેતૃત્વ કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ ટીમને ક્રિકેટના શિખર પર પહોંચાડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. વર્ષ 2021 માં તેમની આગેવાનીમાં કીવી ટીમે સર્વપ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત તેમની જ કેપ્ટનશિપમાં ટીમ 2021 T20 વર્લ્ડ કપની ફાઇનલ સુધી પણ પહોંચી હતી. મેદાન પર તેમની શાંત, વિનમ્ર અને કુનેહભરી રમતની ચાહકો હંમેશા પ્રશંસા કરતા રહેશે.