કોલકાતાની સરકારી ઇમારતમાં ભીષણ આગ, 4000 EVM બળીને ખાખ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ મશીનો રાખવામાં આવ્યા હતા તે 10 માળની બિલ્ડિંગમાં રહસ્યમય આગ
ત્રીજા માળની આગ સીધી આઠમા-નવમા માળે કેવી રીતે પહોંચી? ફાયર મંત્રીએ વ્યક્ત કરી મોટી શંકા
10 જેટલી વિધાનસભા બેઠકોના મતદાનમાં ઉપયોગમાં લેવાયેલા ઇવીએમ બળી જતાં અનેક સવાલો ઊઠ્યા
સિટી ન્યુઝ @ કોલકાતા
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, તેવામાં રાજધાની કોલકાતામાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક સરકારી ઇમારતમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ગત ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા આશરે 4000 જેટલા ઇવીએમ (EVM) મશીનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. સવારે 9.50 વાગ્યે 10 માળની જિલ્લા પરિષદ બિલ્ડિંગમાં આગની આ ઘટના સામે આવી હતી. આ બિલ્ડિંગના જે માળ પર મશીનો સુરક્ષિત રાખવામાં આવ્યા હતા, તે આખો હિસ્સો આગની લપેટમાં આવી ગયો છે.
પશ્ચિમ બંગાળની નવી ભાજપ સરકારના ફાયર અને ઇમર્જન્સી સર્વિસ મંત્રી કૌશીક ચૌધરીએ ઘટના અંગે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ આ 10 માળની બિલ્ડિંગમાં સૌથી પહેલા આગ ત્રીજા અથવા ચોથા માળે લાગી હતી. જોકે, તપાસ એજન્સીઓ માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આગ વચલા 6 અને 7 માળને નુકસાન પહોંચાડ્યા વિના સીધી આઠમા અને નવમા માળે કેવી રીતે પહોંચી ગઈ. આ રહસ્યમય કડીને કારણે અકસ્માત પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકા દ્રઢ બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડાવી દેવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સરકારી બિલ્ડિંગમાં રાજ્ય સરકારના અનેક મહત્વના વિભાગો અને ધરપકડ કરાયેલા ટીએમસી નેતા જહાગીર ખાનની ઓફિસ પણ આવેલી છે. હાલ આ જિલ્લા પરિષદનું સંચાલન તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે રાજ્યમાં હવે ભાજપની સરકાર બની છે. આ ઇમારત 24 પરગણાસ વિસ્તાર સાથે જોડાયેલી છે, જે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીનો મજબૂત ગઢ માનવામાં આવે છે. નાશ પામેલા આ તમામ 4000 ઇવીએમ મશીનો દ્વારા ગત દિવસોમાં રાજ્યની 10 જેટલી મહત્વની વિધાનસભા બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.
ઇવીએમ મશીનો બળી જવાની ઘટના પાછળ મોટા ષડયંત્રની આશંકા
પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા બાદ ટીએમસીના ગઢ ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ અનેક શંકા-કુશંકાઓ જન્માવી છે. બિલ્ડિંગના વચલા માળ સુરક્ષિત રહેવા અને માત્ર ઇવીએમ રાખવામાં આવ્યા હતા તે જ માળ સળગવા પાછળ કોઈ રાજકીય કાવતરું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આગના ચોક્કસ કારણો શોધવા માટે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય ફોરેન્સિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.