Loading Please Wait !!!
બાપુનગરમાં ચૂંટણી પૂર્વે જ ધમાસણ: હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરમાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસના ધરણાં

 

  • ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં બારોબાર સિક્કા માર્યાનો આક્ષેપ; નાગજી દેસાઈએ સમર્થકો સાથે બોલાવી રામધૂન

  •  હોમગાર્ડ જવાનોના મતદાનમાં મોટી ગેરરીતિની આશંકા; કોંગ્રેસે પુરાવા સાથે રાજ્ય ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

  •  નિષ્પક્ષ ચૂંટણી સામે સવાલો- સુરક્ષા વગર ખુલ્લા કવરમાં રઝળતા મળ્યા બેલેટ પેપર; ભાજપ-કોંગ્રેસ આમને સામને

    રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે. બાપુનગર હોમગાર્ડ ઓફિસમાં હોમગાર્ડ જવાનો માટે રાખવામાં આવેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો થયા છે. કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં જ બેલેટ પેપર પર બારોબાર સિક્કા મારવામાં આવી રહ્યા હતા.

    અધિકારી ગાયબ અને સુરક્ષાના અભાવે વિવાદ ઘટનાની વિગતો મુજબ, બાપુનગર, સરસપુર અને ગોમતીપુરના હોમગાર્ડ જવાનો માટે સાંજે ૫ વાગ્યા પછી મતદાનનું આયોજન કરાયું હતું. જોકે, કોંગ્રેસના પ્રતિનિધિઓ જ્યારે મથક પર પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ પણ ચૂંટણી અધિકારી હાજર નહોતા. બેલેટ પેપર કોઈ પણ સુરક્ષા વગર ખુલ્લા કવરમાં રઝળતા જોવા મળ્યા હતા. આ જોઈને કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે હોમગાર્ડ જવાનોની ગેરહાજરીમાં જ તેમના નામે મતદાન કરી લેવામાં આવ્યું છે.

    ચૂંટણી પંચમાં ફરિયાદ અને ધરણાં આ ઘટનાના વિરોધમાં નાગજી દેસાઈ અને તેમના સમર્થકોએ હોમગાર્ડ ઓફિસની બહાર જ રામધૂન બોલાવીને ધરણાં શરૂ કર્યા હતા. કોંગ્રેસે આ મામલે રાજ્ય ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અગાઉ પણ હોમગાર્ડમાં ફરજ બજાવતા રાજકીય હોદ્દેદારોને આ કામગીરીથી દૂર રાખવાની માંગ કરવામાં આવી હતી, છતાં આવી બેદરકારી સામે આવતા હવે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠી રહ્યા છે.