Loading Please Wait !!!
"દહેગામમાં 'દૂધ યુદ્ધ' વકર્યું: પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી ઉત્તમ ડેરીની ગાડી આંતરી"

  • દહેગામ સજ્જડ બંધ - મધુર ડેરી સામે પશુપાલકોનો આરપારનો જંગ
  • 25 માર્ચ સુધીમાં માંગ નહીં સંતોષાય તો હાઈવે ચક્કાજામની ચીમકી
  • વિધાનસભા કૂચ નિષ્ફળ બનાવતા પશુપાલકો લાલચોળ - પોલીસનું સઘન પેટ્રોલિંગ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પશુપાલકો અને ડેરી સંચાલકો વચ્ચેનો ગજગ્રાહ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. પશુપાલક સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા દહેગામ બંધના એલાનને આજે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. પશુપાલકોની માંગ છે કે મધુર ડેરી તેમનું દૂધ સ્વીકારે, જેનો ડેરી દ્વારા અચાનક ઈનકાર કરી દેવાયો છે. આ અન્યાય સામે આજે વહેલી સવારથી જ પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આજે સવારે જ્યારે ઉત્તમ ડેરીની દૂધ એકત્ર કરવાની ગાડી ગામડાઓમાં પહોંચી ત્યારે રોષે ભરાયેલા પશુપાલકોએ તેને રસ્તામાં જ આંતરી લીધી હતી. આંદોલનકારીઓએ ગાડીમાં ભરેલું દૂધ જાહેર રસ્તા પર ઢોળી દઈ સરકાર અને ડેરી વહીવટદારો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પશુપાલકોનો આક્ષેપ છે કે, ગાંધીનગર જિલ્લાની મધુર ડેરીમાં દૂધ ભરવા દેવાને બદલે તેમને પરાણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં મોકલવામાં આવી રહ્યા છે, જે પશુપાલકોના હિતમાં નથી.

દહેગામના સ્થાનિક વેપારીઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) એ પણ આ આંદોલનને સમર્થન આપતા તમામ બજારો અને વેપાર-રોજગાર બંધ રાખ્યા છે. પશુપાલકો અગાઉ વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવા જેવા પ્રયાસો કરી ચૂક્યા છે, પરંતુ પોલીસ દ્વારા તે કાર્યક્રમો અટકાવવામાં આવતા હવે આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 25 માર્ચ સુધીમાં મધુર ડેરીમાં દૂધ લેવાની પ્રક્રિયા શરૂ નહીં થાય, તો પશુપાલકો હાઈવે ચક્કાજામ કરી રાજ્યભરનો દૂધ સપ્લાય ખોરવી નાખશે. હાલમાં સ્થિતિ વધુ ન વણસે તે માટે દહેગામ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.