કોંગ્રેસની યાદીમાં 'કેસરિયો' વિવાદ: ભાજપમાં ગયેલા નેતાને ટિકિટ મળતા કાર્યકરો લાલઘૂમ, ફોટો વાઈરલ કરી પૂછ્યા સવાલો!
- રમીઝ રાજાએ કોંગ્રેસમાં 'ઘરવાપસી' ક્યારે કરી? - રામોલ-હાથીજણ અને વટવા બેઠક પર ઉમેદવારો સામે બળવો
- મોડી રાત્રે જાહેર કરેલી યાદીમાં વિવાદનો વંટોળ - NSUI ના પૂર્વ નેતાના ભાજપ નેતાઓ સાથેના ફોટોથી હલચલ
- વટવામાં 'આપ' ના કાર્યક્રમમાં હાજર રહેલા સોએબઅલીને ટિકિટ મળતા વિરોધ - શહેર પ્રમુખ સોનલ પટેલ બચાવની ભૂમિકામાં
ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, પરંતુ યાદી બહાર પડતાની સાથે જ પક્ષમાં ભડકો થયો છે. ખાસ કરીને રામોલ-હાથીજણ અને વટવા વોર્ડમાં ઉમેદવારોની પસંદગીને લઈને સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓ સાથે ફોટો ધરાવતા અને તાજેતરમાં જ કેસરિયો ધારણ કરનારા નેતાઓને ટિકિટ આપી દેવાતા કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
સૌથી વધુ વિવાદ રામોલ-હાથીજણ વોર્ડના ઉમેદવાર રમીઝ રાજા શેખના નામને લઈને છે. વર્ષ ૨૦૨૪ માં આંતરિક વિખવાદ બાદ રમીઝ રાજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો હતો. ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને જય શાહ સાથેના તેમના ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "જે નેતા પક્ષ છોડીને ગયા હતા, તેમણે ક્યારે ઘરવાપસી કરી તે કોઈને ખબર નથી અને સીધી ટિકિટ મળી ગઈ?" કાર્યકરોનો દાવો છે કે રમીઝ રાજા ૨૦૨૪ પછી યુથ કોંગ્રેસ કે NSUI ના કોઈ કાર્યક્રમમાં દેખાયા નથી.
બીજી તરફ વટવા વોર્ડમાં સોએબઅલી સાબિરઅલી રાજપૂતને ટિકિટ મળતા વિવાદ થયો છે. સોએબઅલી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં સક્રિય હોવાના ફોટો કાર્યકરોએ જાહેર કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે પક્ષને વફાદાર રહેનારા કાર્યકરોને બદલે અન્ય પક્ષો સાથે સાંઠગાંઠ ધરાવનારાઓને કેમ મહત્વ આપવામાં આવી રહ્યું છે?
આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે બચાવની મુદ્રામાં જણાવ્યું હતું કે, રમીઝ રાજા NSUI ના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા છે અને બિઝનેસના કારણે થોડા સમય માટે નિષ્ક્રિય હતા. ભાજપ નેતાઓ સાથેના ફોટો કોઈ સામાજિક મુલાકાતના હોઈ શકે છે. વટવાના ઉમેદવાર બાબતે પણ તેમણે જણાવ્યું કે યુવા ચહેરા તરીકે તેમને તક અપાઈ છે અને પ્રભારીઓ સાથે ચર્ચા બાદ જ આ નિર્ણય લેવાયો છે. જો કે, કાર્યકરોની આ નારાજગી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે.