ગોરવામાં કોર્પોરેશનની ટીમ પર હુમલો કરનાર પશુપાલકો જેલભેગા, પોલીસે કાન પકડાવ્યા
જબરજસ્તી ગાય છોડાવી જનાર ત્રણ શખ્સોની ધરપકડ, પોલીસ સામે માફી માગી
સમતા અને અકોટાના પશુપાલકોએ કાયદો હાથમાં લેતા પોલીસે શાન ઠેકાણે લાવી
ગોરવા પોલીસે સીસીટીવી અને પુરાવાને આધારે અજય, નયન અને દીપકને દબોચ્યા
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ પહેલા રખડતા ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી જબરજસ્તીથી ગાય છોડાવી જવાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગોરવા પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ પશુપાલકોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન લાવવામાં આવતા આ શખ્સોએ પોતાની ભૂલ સ્વીકારી કાન પકડીને માફી માગી હતી.
આ ઘટનાની વિગત મુજબ, ગોરવા રોડ ઉપર જ્યારે કોર્પોરેશનની ઢોર પાર્ટી ગાયો પકડવાની કામગીરી કરી રહી હતી, ત્યારે કેટલાક પશુપાલકો ત્યાં ધસી આવ્યા હતા. આ પશુપાલકોએ સરકારી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, તેમણે ટીમની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરીને જબરજસ્તીથી ગાયને ભગાડી મૂકી હતી. આ ગંભીર બનાવ અંગે કોર્પોરેશન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગોરવા પોલીસે આ મામલે વિવિધ પુરાવાઓ અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા બાદ આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે સમતા ભરવાડ વાસમાં રહેતા અજય રબારી, અકોટાના નયન ભરવાડ અને ગોરવા વિસ્તારના દીપક રબારીની અટકાયત કરી છે. આ ત્રણેય શખ્સોએ જાહેરમાં અને સરકારી કર્મચારીઓ સાથે કરેલા ગેરવર્તન બદલ પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું.
પકડાયેલા પશુપાલકોએ પોલીસ સમક્ષ પોતાની શાન ઠેકાણે આવતા કાન પકડીને માફી માગી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી હતી. વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ ડામવા માટે કોર્પોરેશન દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે પશુપાલકો દ્વારા થતા આવા હુમલાઓને રોકવા પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ પશુપાલકો દ્વારા કોર્પોરેશનની ટીમ પર હુમલાના બનાવો બનતા રહે છે, ત્યારે ગોરવા પોલીસની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.