Loading Please Wait !!!
ગાંધીનગરમાં ઉદ્યોગોનો મહાકુંભ: મુખ્યમંત્રીએ ‘GATE 2026’ ટ્રેડ એક્સ્પોનો કરાવ્યો ભવ્ય પ્રારંભ

 

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 'GATE 2026' નું ઉદ્ઘાટન કર્યું.

  • આ ત્રણ દિવસીય એક્સ્પોમાં વિવિધ ઉદ્યોગોના 610 સ્ટોલ કાર્યરત છે અને 50,000 મુલાકાતીઓની અપેક્ષા છે.

  • એક્સ્પોમાં સેમીકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જેવા આધુનિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન અપાયું છે.

    ગુજરાત આજે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે ત્યારે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત 'GATE 2026' ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ ત્રણ દિવસીય એક્સ્પો રાજ્યના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રને નવી ઊંચાઈઓ તરફ દોરી જવાનું મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે.

    એક્સ્પોનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “દેશ આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વેપાર અને ઉદ્યોગને નવી દિશા અને ગતિ મળી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં હબ બનવાની દિશામાં મક્કમ કદમે આગળ વધી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવી પહેલોએ ગુજરાતની ઉત્પાદન ક્ષમતાને વિશ્વભરમાં પહોંચાડી છે. આ એક્સ્પોમાં જે રીતે સેમીકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને સ્થાન અપાયું છે તે દર્શાવે છે કે ગુજરાત ભવિષ્યની ટેકનોલોજી માટે સજ્જ છે.

    GCCI ના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે આ પ્રસંગે જણાવ્યું કે, 'GATE 2026' નું આયોજન વિકસિત ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. 610 સ્ટોલ દ્વારા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓને એક જ મંચ પર લાવવામાં આવ્યા છે. હાલમાં વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર થઈ રહી છે, જે ઉદ્યોગોના વિકાસ માટે સાનુકૂળ છે. આ એક્સ્પોમાં ભવિષ્યના વિકાસના રોડમેપ અને કોમન ગેમ્સ જેવા મહત્વના વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે ક્રેડાઈ પ્રમુખ શેખરભાઈ પટેલ, જીનલ મહેતા અને અન્ય ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.